મહાકૌભાંડ@દાહોદ: તમામ તાલુકામાં બનાવટી કામો ઉપર ગ્રાન્ટ ખર્ચી, મનરેગામાં કરોડોનું સંગઠિત સ્કેમ
Dahod drda
મનરેગા લોકપાલની જગ્યા ભરાઇ છે તો કેમ હજુ એકપણ કૌભાંડની તપાસ નથી કરાતી એ સૌથી મોટો સવાલ 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અટલ સમાચાર ડોટ કોમ દ્વારા દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડનો જે પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ થયો તેને સમર્થન આપતી રજૂઆતો હવે આવી રહી છે. પૂર્વ ડીડીઓ રચિત રાજ અને બલાતની જોડીએ જિલ્લામાં મનરેગાના ખૂબ કામો કરાવ્યા હતા. જેમાં તાજેતરમાં ફતેપુરા તાલુકામાં બહાર આવેલું કૌભાંડ ખૂબ જ ગંભીર છે. જોકે એનાથી પણ વધુ અતિગંભીર સામે આવ્યું કે, એકમાત્ર ફતેપુરા નહિ તમામ તાલુકામાં બનાવટી કામો બતાવી મનરેગામાં કરોડોનું કૌભાંડ કર્યું છે. સંગઠિત ટોળકીએ કરારી કર્મચારીઓને ખભે રાખી આદિજાતિ વર્ગના ભોળપણનો લાભ ઉઠાવી ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી છે. ફતેપુરાની જેમ અન્ય તાલુકાઓમાં પણ જૂના કામોને કાગળ ઉપર નવા કામ કર્યાનું બતાવી કૌભાંડ આચર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Dahod district panchayat
ગુજરાત અને મધ્યપ્રદેશની હદ નજીક આવેલા દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ જાણવા મળી રહ્યું છે. ફતેપુરા તાલુકામાં મનરેગા કૌભાંડ બહાર આવતાં એકસાથે 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પછી હવે સિંગવડ તાલુકામાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક ગામ એવું કે જ્યાં ગામલોકોને જ ખબર નથી કે પોતાના નામે પૈસા ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે વાત આટલેથી પૂરી થતી નથી, દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં બનાવટી કામો કાગળ ઉપર ઉભા કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
Dahod mnrega
આ તમામ કામો પૂર્વ ડીડીઓ રચિત રાજ અને હાલના ડાયરેક્ટર બલાતના સમયના હોઈ જવાબદારીનો સવાલ ઉભો થયો છે. આ બંનેની જોડીએ દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ અનેક કામો કરાવ્યા જેનો હિસાબ જોઈએ તો 2 વર્ષમાં સરેરાશ 100 કરોડના કામો છે. આથી જો ગાંધીનગર સ્થિત સીઆરડી, વિજીલન્સ અને મનરેગા લોકપાલની સંયુક્ત તપાસ થાય તો રાજ્યમાં ખળભળાટ મચી જાય તેવું મનરેગા કૌભાંડ બહાર આવે તેમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવટી લેબરો ઉભા કરી, જૂની એસેટને નવા કામમાં બતાવી, લેબરથી ડબલ મટીરીયલ ખર્ચ પાડી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડ કોઈ એક-બે નહિ આખી સંગઠિત ટોળકીએ "જિલ્લાના સાહેબના" ઈશારે પાર પાડ્યું હતું. આ કામો જોવા જ્યારે ગાંધીનગરથી ટીમ આવતી ત્યારે તેઓને પણ ગેરમાર્ગે દોરી કૌભાંડ ઉપર પડદો પાડવાની કોશિશ કરવામાં આવેલી છે. આથી જો ફતેપુરા તાલુકામાં સામે આવેલ મનરેગા કૌભાંડની મોડસ ઓપરેન્ડી અન્ય તાલુકામાં પણ તપાસવામાં આવે તો "રાજ-બલાતની" જોડીની સુપરડુપર કામગીરી બહાર આવી શકે છે.