મહાકૌભાંડ@મનરેગા: યોજનાના નામે દાહોદમાં કરોડો રૂપિયા બનાવ્યા, તટસ્થ તપાસમાં સરકારને મળી શકે અઢળક રિકવરી
દાહોદ

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર


દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કેટલાક સત્તાધિશોએ ભરપૂર લાભ ઉઠાવી વહેતી ગંગામાં ડૂબકી મારી લીધી હતી. આ શબ્દો એટલા માટે કે, યોજનાના નામે ગ્રાઉન્ડ ઉપર લાલિયાવાડી અને  કાગળ ઉપર વાહવાહી ઉભી કરી હતી. મનરેગા યોજનાના મહા કૌભાંડની મોડસ ઓપરેન્ડી એટલી ખતરનાક રહી કે, 2 વર્ષમાં કરોડોની કમાણી કરી લીધી હતી. ચોક્કસ નાણાંકીય વર્ષના સોશિયલ ઓડિટ, લાભાર્થી યાદી, નિવેદનો અને એસેટની પારદર્શક તપાસ થાય તો રાજ્ય સરકારને મસમોટી વસૂલાત મળી શકે તેમ છે. આ સાથે સંગઠિત કૌભાંડના સૂત્રધારો પણ મનરેગા એક્ટની જોગવાઈ મુજબ જેલભેગા થાય તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ 1

દાહોદ જિલ્લામાં તાજેતરમાં સામે આવેલ મિશન મંગલમ કૌભાંડ બાદ શું અન્ય કોઈ યોજનામાં પણ કરોડોનું સ્કેમ હશે ? આ સવાલ સામે સૂત્રો પાસેથી વિગતો મેળવતાં ચોંકાવનારી સ્થિતિ ઉભરી આવી છે. મિશન મંગલમ કરતાં પણ અનેકગણું કૌભાંડ એકમાત્ર મનરેગા યોજનામાં કર્યાની બૂમરાણ મચી છે. તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના કાર્યકાળમાં ચોગ્ગા છગ્ગાની બેટિંગની જેમ રીતસર ગોઠવણ આધારે રોકડની બેટિંગ કરવામાં આવી હતી. રચિત રાજે નાણાંકીય ફાઇલ માટે સ્પેશિયલ 3 કર્મચારીઓ "વિશેષ" જવાબદારી આપી ચોક્કસ સુચનાનું પાલન કરવા કહ્યું હતું. આ ડીડીઓના સમયગાળા દરમ્યાન મનરેગા હેઠળ દાહોદ જિલ્લામાં અનેક એસેટમાં કામ થયું હતું. જેમાં ખાસ કરીને ચેકડેમ, પશુઓ માટેના સેડ, ખેત તલાવડી સહિતના કામો કરોડોના ખર્ચે કરવામાં આવ્યા હતા. જેમાં કામની ગુણવત્તામાં ધાંધલી, જોબ કાર્ડમાં સેટિંગ્સ, લેબરોની સંખ્યામાં બનાવટી વધારો સહિતની ગોઠવણ પાડી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. નાણાંકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 ના તમામ કામોની પારદર્શક તપાસ થાય તો સરકાર અઢળક રકમની રિકવરી કરી શકે તો નવાઇ નહી.

દાહોદ 2


સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાંથી અને ક્યારેક ગાંધીનગરથી દાહોદ જિલ્લાના તાલુકાની મુલાકાતે પણ પહોંચી હતી. આ દરમ્યાન તપાસના બદલે માત્ર સમિક્ષા અથવા સાઇટ વિઝીટ કરીને મૌખિક સૂચના આપી પરત આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો ઉપરોક્ત નાણાંકીય વર્ષના સોશિયલ ઓડિટ, થયેલ કામોની હાલની સ્થળ સ્થિતિ અને ગાઇડલાઇન ચકાસી ક્રોસ તપાસ કરવામાં આવે તો સરેરાશ 4 તાલુકામાં 50 ટકાથી વધુ કામોમાં ગેરરીતિ મળી આવી શકે છે. અગાઉ એકાદ કિસ્સામાં જીઆરએસ સહિતના કેટલાક કરારી કર્મચારીઓને છૂટા કરી કૌભાંડ સામેની કાર્યવાહીથી મન વાળી લેવામાં આવ્યું હતું. યોજના સાથે સંકળાયેલાઓએ માત્ર 2 વર્ષમાં કરોડોની કાળી કમાણી કરી આંતરરાજ્ય નાણાં પહોંચાડી દીધા હોવાની પણ ચકચાર છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ગણતરીના દિવસોમાં જોબ કાર્ડ ધારકો લાખોમાંથી હજારોમાં આવી ગયા

 સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત નાણાંકીય વર્ષ દરમ્યાન કોઈ એક જ સમયગાળામાં દાહોદ જિલ્લામાં તબક્કાવાર 2 લાખથી વધુ લેબરોની સંખ્યા થઈ ગઈ હતી. આ પછી વાત ગાંધીનગર પહોંચી જતાં તપાસ આવવાની શક્યતા પારખી એકાએક લેબરોની સંખ્યા 25થી 35 જ રહી ગઈ હતી. માત્ર ગણતરીના દિવસોમાં એકાએક લેબરોની સંખ્યા ઘટી કેમ ગઈ? આટલું જ નહિ કોઈ એક સાઇટ ઉપર જરૂરિયાતથી 4 ઘણા લેબરો બતાવી ખર્ચા પાડવામાં આવતા હતા. આટ આટલું જ નહિ એક ગામ જેટલા લોકો હતા તેનાથી 3 ઘણા લેબરો કામ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈ રજૂઆત કરે તો બચાવમાં કહેતા કે બાજુના ગામના લેબરો કામ કરતાં હતાં.