ચકચાર@દાહોદ: કૌભાંડમાં સસ્પેન્ડ કરારી કર્મચારીને ફરી નોકરીમાં લીધો, તો ફરીથી કૌભાંડ આચર્યું, નિયામકની સાંઠગાંઠ
dahod 2

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ એટલા હદે થયું છે કે, જો તટસ્થ અને પારદર્શક તપાસ થાય તો કરોડો રૂપિયાની વસૂલાત મળી શકે છે. આ બાબતના અગાઉ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે બીજા તબક્કામાં સૌથી મોટો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેમાં ગત મે-જૂન દરમ્યાન ફતેપુરા તાલુકામાંથી મનરેગા કૌભાંડ બહાર આવ્યું તેમાં જે 10 કર્મચારીઓ સસ્પેન્ડ થયા તેમાં પણ નવો ઘટસ્ફોટ છે. કૌભાંડમાં સંડોવાયેલા 10 માંથી 1 કર્મચારી અગાઉ પણ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલો હતો. આમ છતાં ફરીથી નોકરીમાં લીધો અને ફરીથી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આથી કૌભાંડના આરોપીને ફરીથી નોકરીમાં લેવા બાબતે શરૂઆતથી જ ફરજમાં શંકાસ્પદ ડાયરેક્ટરની ભૂમિકા સવાલો વચ્ચે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બલાતની સંડોવણી છે કે કેમ ? આ સવાલ પણ ગ્રામ પંચાયતોને મુંઝવી રહ્યો છે.


દાહોદ જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી હેઠળના મનરેગા કામોમાં ભયંકર હદે કૌભાંડ થયેલા હોવાના પુરાવા તબક્કાવાર સામે આવી રહ્યા છે. પૂર્વ ડીડીઓ રચિત રાજ અને છેલ્લા 4 વર્ષથી નિયામક બલાતની જોડીએ રીતસર કૌભાંડીઓ ઉપર કૃપાદૃષ્ટિ કરી હોય તેમ હવે ગેરરીતિના ઘટસ્ફોટ બહાર આવી રહ્યા છે. જેમાં હાલના તબક્કે ફતેપુરા તાલુકામાં બહુ ગાજેલા મનરેગા કૌભાંડમાં 10 કર્મચારીઓ સસ્પેન્ડ થયા તેમાં આરોપીઓએ ચોંકાવનારી ગેરરીતિ આચરી હતી. જૂના કામો ઉપર વર્ક ઓર્ડર અને વહીવટી મંજુરી મેળવી ગ્રાન્ટની રકમ ઘરભેગી કરી હતી. સરેરાશ 49 લાખનું કૌભાંડ આચર્યું તેમાં એક આરોપી સાથે નિયામકની સાંઠગાંઠ હોવાની આશંકા બની છે.

dahod 1

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડેડ 10 માંથી 1 આરોપી રિપલ ડોડિયા કૌભાંડમાં માહેર છે. આ રિપલ ડોડિયા અગાઉ સ્વચ્છ ભારત મિશન યોજનામાં કરાર આધારિત ફરજમાં હતા. આ દરમ્યાન કૌભાંડ બહાર આવતાં રિપલ ડોડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બલાત અને તત્કાલીન ડીડીઓએ આ રિપલ ડોડિયાને મનરેગા યોજનામાં કરાર આધારિત ફરજમાં લીધા હતા. એક ગેરરીતિમાં સંડોવાયેલા છતાં ફરીથી નોકરીમાં લેવા પાછળ નિયામક બલાતની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


આગામી ન્યૂઝ રિપોર્ટ જોઈ તમે ચોંકી જશો


ફતેપુરા તાલુકામાં સામે આવેલું મનરેગા કૌભાંડ સૌથી વધુ ખતરનાક છે. તમે કલ્પના કરો તો પણ આવું કૌભાંડ વિચારી ના શકો. કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારીઓએ જૂના કામો ઉપર જ ખર્ચ પાડી કાગળ ઉપર નવા કામો બતાવી દીધા હતા. આ કૌભાંડ આટલું નથી, હકીકતમાં ફતેપુરા તાલુકાની અનેક ગ્રામ પંચાયતમાં આ કૌભાંડ છે અને 100 જેટલા સ્થળે આવી ગેરરીતિ છે. જોકે તપાસમાં મર્યાદિત ગ્રામ પંચાયત અને સ્થળ તપાસણી કરી રીપોર્ટ તૈયાર કર્યો છે. સ્થાનિક સૂત્રો મુજબ 25 કરોડથી વધુનું કૌભાંડ છે. હવે આ કૌભાંડ ક્યાં અને કેટલું તે આગામી દિવસોમાં જોઈ વાચકોને ચોંકાવનારી સ્થિતિ બની શકે છે.

dahod

ફતેપુરા મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડેડ કર્મચારીઓ

શૈલેષ સંગોડ
રીપલ ડોડીયા
અતુલ કતિજા
દીપક લબાના 
રાકેશ કટારા
વિજય પારગી
કલ્પેશ ચૌહાણ
રમેશ મછાર
બાબુ પંડોર
અરૂણ ગરાસિયા