ખળખળાટ@દાહોદ: કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો, મિલીભગતથી સેટિંગ્સ પાડવા ગાંધીનગર 1 લાખ મોકલાવ્યા હતા
 દાહોદ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળના કૌભાંડની તપાસ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક આરોપીએ અચાનક તપાસ અધિકારી સમક્ષ જે નિવેદન આપ્યું તેનાથી ખળભળાટ મચી ગયો છે. કૌભાંડની ગતિવિધિ દરમિયાન દાહોદ મિશન મંગલમના એક કર્મચારીએ 1 લાખનો હવાલો પડાવ્યો હતો. ગાંધીનગર કોઈ ઈસમને આંગણિયા મારફતે આ રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આથી પોલીસે હવે આ હવાલાની રકમ કોણે મેળવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસ અધિકારી ડીવાયએસપીએ જણાવ્યું છે કે, આંગણિયા વાળાને પૂછીને અને થોડી બીજી માહિતી આધારે રૂપિયા કોઈએ લીધા હતા કે નહિ અને લીધા હતા તો કોણે ? આ તમામ સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.

દાહોદ 1


દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખામાં 79.86 લાખની ઉચાપત મામલે ફરિયાદ દાખલ થયેલી છે. જેમાં 5 આરોપીઓની વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારે એક મહિલા આરોપીએ ચોંકાવનારી વિગતો પોલીસને જણાવી છે. તત્કાલીન ટીએલએમ અંજના મછારે તપાસ અધિકારીને જણાવ્યું છે કે, કૌભાંડ દરમ્યાન 1 લાખ રુપિયા રોકડા ગાંધીનગર મોકલ્યા હતા. 1 લાખનો હવાલો દાહોદથી આંગણિયા મારફતે ગાંધીનગર કરવામાં આવ્યો હતો. આ બાબતે તપાસ અધિકારી એવા ડીવાયએસપી જે.એ બાંગરવાએ જણાવ્યું છે કે, "અંજના મછારે એટલું જ કહ્યું છે કે, એક લાખ મોકલ્યા હતા પરંતુ કોને પહોંચાડવામાં આવ્યા તે કહ્યું નથી. આથી આંગણિયા પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે અન્ય કેટલીક માહિતી આધારે પણ આ રકમ કોણે સ્વિકારી તેની તપાસ ચાલી રહી છે."

દાહોદ 2


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ યોજનાની શાખા છે. જેના હેઠળ અનેક કર્મચારીઓ ફરજ બજાવતા ત્યારે નેશનલ રૂરલ ઈકોનોમિક ટ્રાન્સપો્રમેશન અંતર્ગત સરેરાશ અઢી કરોડની ગ્રાન્ટ આવી હતી. આ ગ્રાન્ટમાં ગેરરીતિ આચરી કૌભાંડ આચર્યું હતું. જેમાં સરકારે કેટલીક રકમની રિકવરી કરી કસૂરવારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસમાં અનેક આરોપી પૈકી અંજના મછાર નામની મહિલા આરોપીએ પોલીસ સમક્ષ હવાલાથી ગાંધીનગર રૂપિયા મોકલાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જેથી હવે જીએલપીસીની ગાંધીનગર કચેરીના કોઈ કર્મચારીની ભૂમિકા હોવાની સંભાવના પ્રબળ બની છે.