ગંભીર@દાહોદ: ગરીબોના પૈસા ખાનાર મનરેગા કૌભાંડના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થશે કે નહિ? સેટિંગ્સ થયાની ચર્ચા
દાહોદ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


ફતેપુરા તાલુકામાં મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડેડ 10 કૌભાંડી આરોપીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે સરેરાશ અડધા કરોડ જેટલી સરકારી ગ્રાન્ટ જે ગરીબોના વિકાસ માટે હતી તેની રિકવરી થઈ શકી નથી. આ સરકારી રૂપિયા ખાઇ જનાર કૌભાંડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ વિલંબમાં મૂકી દેવામાં આવી છે. તપાસ રિપોર્ટ આધારે સસ્પેન્ડ કર્યા પરંતુ કોઈ ઈરાદાપૂર્વક ફરિયાદ દાખલ થઇ નથી. હવે આ બાબતે અંદરોઅંદર સામસામે ગોઠવણ કરી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવો ઘાટ તૈયાર થતો હોવાની લોકચર્ચા જામી છે. એટલે કે કોઈ મોટું સેટિંગ્સ પાડી દીધું હોઇ પોલીસ ફરિયાદ દાખલ થવાની વાત અધ્ધરતાલ થઈ હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

દાહોદ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મનરેગા યોજના માટે ફરજ બજાવતા કરારી કર્મચારીઓએ ભેગા મળી સરેરાશ અડધા કરોડની ગ્રાન્ટનું કૌભાંડ આચર્યું છે. અગાઉની ગ્રાન્ટ ઉપર કરેલા કામો ફરી વખત કર્યા હોવાનું બતાવી તેના ઉપર ખર્ચ પાડી નવી ગ્રાન્ટ ઘરભેગી કરી હતી. આથી ડીઆરડીએ અને જિલ્લા પંચાયતની તપાસમાં કૌભાંડ બહાર આવતાં એકસાથે 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ કૌભાંડી કર્મચારીઓ સરેરાશ અડધા કરોડની ગ્રાન્ટનું બારોબારીયુ કરી ગયા છતાં ડીડીઓ કે ડાયરેક્ટર રિકવરી કરી શક્યા નથી. સૌથી મોટી વાત એ સામે આવી છે કે, તપાસ આધારે સસ્પેન્ડ કર્યા પરંતુ તપાસ રીપોર્ટ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદ દાખલની તૈયારી હોવાની ખાલી વાતો થઈ રહી પરંતુ ગુનો નોંધવાનો હુકમ કરવાનું કોઈ કાગળ ઉપર નથી. 

દાહોદ 1

આ બાબતે હાલના ડીડીપીસીને પૂછતાં એટલું જ જણાવ્યું હતું કે, ફાઇલ પ્રક્રિયા હેઠળ છે. જોકે ફતેપુરા અને દાહોદમાં એક જ ચર્ચા છે કે, ફરિયાદ થવાની શક્યતા ખૂબ નહિવત છે. કેમ કે ફરિયાદ દાખલ થાય તો મનરેગાના કૌભાંડીઓ કદાચ મોટા ઘટસ્ફોટ કરશે તો ? એવો છૂપો ડર પણ સતાવી રહ્યો હોય તો નવાઇ નહિ. સ્થાનિક સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ ભલે કૌભાંડ પકડાયું હોય પરંતુ સસ્પેન્ડ કરી સંતોષ માનવાનું અને પોલીસ ફરિયાદ ટાળવાનું ગોઠવાઇ રહ્યું હોવાની વાતો વહેતી થઈ છે. કેમ કે ફતેપુરા તાલુકા જેવું કૌભાંડ અન્ય તાલુકાઓમાં નિકળી શકે તો દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ આલમમાં ખળભળાટ મચી જાય તેમ છે. આથી બંને વચ્ચે એક રસ્તો કાઢવામાં આવ્યો હોય કે, "તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ" આ થિયરી મુજબ ફરીયાદ નોંધવાની તૈયારી માત્ર વાતો પણ હોઈ શકે છે.