વહીવટ@ઝાલોદ: માર્કેટયાર્ડમાં એક વેપારીને બાકી ડીપોઝીટે દસ્તાવેજ તો બીજાને ડીપોઝીટ પછી દસ્તાવેજ, છતાં તપાસમાં બધું બરાબર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશો સહકાર વિભાગના નિયમો હેઠળ કામ કરે છે કે સ્વયં સત્તાથી અલગ અલગ વહીવટ કરી શકે છે? આ સવાલ હવે એટલા માટે ઉભો થયો કે, બજાર સમિતિના પ્લોટ ફાળવણી સહિતના વહીવટની સહકારી અધિકારીએ તપાસ કરી તેમાં અનેક બાબતો ચોંકાવનારી છતાં બધું બરોબર ગણવામાં આવ્યું છે. એક વેપારીને બાકી ડીપોઝીટ છતાં દસ્તાવેજો કરી આપ્યા અને બીજા વેપારી પાસેથી નોન રિફંડેબલ ડીપોઝીટ લીધા પછી જ દસ્તાવેજ કરી આપ્યા છે. પ્લોટ ફાળવણી કે વેચાણ પ્રક્રિયામાં સૌના માટે નિયમો સરખા હોય ને ? આ મુદ્દે તપાસ અધિકારી રાઠોડ લખે છે કે, નોન રિફંડેબલ ડીપોઝીટ આપવાની બાંહેધરી સાથે અરજી આવેલ હોઈ બાકી ડીપોઝીટ છતાં દસ્તાવેજ કરી આપ્યા છે. તપાસ અધિકારીએ કેમ વેપારીઓ વચ્ચેના આ તફાવતનું કારણ નથી આપ્યું અથવા આવા વલણો વ્યાજબી અને યોગ્ય છે ? તે કેમ જણાવ્યું નથી. વાંચો સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાની ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તત્કાલીન વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ પ્લોટ વેચાણમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપની આપેલ અરજી પછી તપાસ પૂર્ણ થઈ છે. જોકે તપાસમાં જે અહેવાલ લખ્યો અને સાથે ઠરાવો જોડાણ કર્યા તેમાં અભ્યાસ કરતાં અનેક સવાલો ઉભા થયા છે. મુખ્યયાર્ડ ઝાલોદના ગેટ નં. 2 ની બાજુમાં આવેલ દુકાનોની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટ પૈકી એકનું વેચાણ કરવા અરજી આવી અને આ અરજી કરનારે ફરી અરજી કરીને ભોંય તળિયાથી બે માળના બાંધકામ કરવા તેનો પણ દસ્તાવેજ કરી આપવા માંગણી કરી હતી. આ અરજી આધારે બાંધકામ પહેલાં નોન રિફંડેબલ ડીપોઝીટ ભરવાની શરતે માર્કેટયાર્ડના સત્તાધિશો દસ્તાવેજો કરી આપે છે. હવે આવી જ રીતે અન્ય એક વેપારીને ગોડાઉન હતો પરંતુ ઉપરના બે માળના પણ દસ્તાવેજ કરવાની અરજી કરી તો માર્કેટયાર્ડના સત્તાધિશો નોન રિફંડેબલ ડીપોઝીટ લઈને દસ્તાવેજ કરી આપે છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું, એક વેપારીને બાંધકામ કરતાં પહેલાં નોન રિફંડેબલ ડીપોઝીટ ભરવાની શરત બતાવી દસ્તાવેજ કરી આપે છે અને બીજા વેપારીને બાંધકામ જ્યારે કરવું હોય ત્યારે પરંતુ દસ્તાવેજ સમયે નોન રિફંડેબલ ડીપોઝીટ લઈ લેવામાં આવે છે. તો અહિં સવાલ થાય કે, માર્કેટયાર્ડના બેસકિંમતી પ્લોટ ઉપરના સંભવિત બાંધકામોની જગ્યા વેચાણ થાય ત્યારે નોન રિફંડેબલ ડીપોઝીટ દરેક માટે ફરજિયાત અને એકસરખા ધારાધોરણ વાળી ના હોય ? અહિં જોવા જેવી વાત એ પણ છે કે, તપાસ અધિકારી રાઠોડ લખે છે કે, બાંહેધરી પત્ર આધારે બાકી ડીપોઝીટ છતાં દસ્તાવેજ કરી આપેલ પરંતુ ઠરાવમાં આ બાંહેધરી પત્રનો કેમ કોઈ ઉલ્લેખ નથી ? તપાસ અધિકારી રાઠોડને પણ નિયમો અને વહીવટની જાણ છતાં વેપારીઓ વચ્ચેના ભેદભાવનું કારણ કેમ આપતા નથી તેવો સવાલ તત્કાલીન વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ ઉઠાવ્યો છે.