ચકચાર@ફતેપુરા: રેકોર્ડિંગમાં પ્રમુખ, ટીડીઓ અને લાખોની લેવડદેવડનો ઉલ્લેખ, એસીબી તપાસ કરશે?

 
Image
જો એન્ટી કરપ્સન બ્યુરો લેવડદેવડના મુદ્દે સુઓમોટો તપાસ હાથ ધરે તો કૌભાંડીઓને ધોળાં દિવસે તારાં દેખાઇ જાય?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ફતેપુરા તાલુકા પંચાયતના વહીવટ મામલે ગત દિવસે વાયરલ એક ઓડિયો રેકોર્ડિંગમાં અનેક સનસનીખેજ અને ચકચારી મુદ્દાઓ છે. સદર રેકોર્ડિંગમાં પ્રમુખ ભરત પારગી વાંદરીયાની તપાસ, ટીડીઓની મુલાકાત અને લાખોની લેવડદેવડનો ઉલ્લેખ કરે છે ત્યારે એસીબીની તપાસના સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. આટલુ જ નહિ, આ રેકોર્ડિંગ એસીબીને જો સુઓમોટો તપાસ કરવી હોય તો મજબૂત કારણ મળી શકે તેમ સ્થાનિક બજારમાં ચર્ચાઈ રહ્યું છે. આ તરફ જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરુદ્ધ બેફામ અને બનાવટી ટિપ્પણીઓ કરાઇ તેમાં પણ પોલીસ સ્ટેશને રજૂઆતોનો દોર શરૂ થયો છે. જાણીએ કેવીરીતે રેકોર્ડિંગમાં લાખોની લેવડદેવડનો મુદ્દો એન્ટી કરપ્સન બ્યુરો સમક્ષ રજૂઆતનો આધાર બની શકે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીએ કેટલાક દિવસો અગાઉ લાગતાવળગતા લોકોની હાજરીમાં બેફામ વાણીવિલાસ કર્યો હતો. આ દરમ્યાન વાંદરીયા ગામે તપાસ, ટીડીઓની મુલાકાત, ટીડીઓ અને પ્રમુખ વચ્ચે વાર્તાલાપ તેમજ 2થી5 લાખની ચર્ચા થાય છે. આ લાખો રૂપિયાની લેવડદેવડ કોના કોના વચ્ચે થઈ તેમજ કયા કારણોસર કોને રૂપિયા ખાધા તે સહિતના સવાલો ચકચારી રેકોર્ડિંગને કારણે ઉભા થયા છે. શરૂઆતમાં પાંચથી છ લાખ અને પછી બે લાખ તેમજ હોબાળો થાય તેમ અને ટીડીઓને પોતાની ગાડીમાં આ બધા ગર્ભિત શબ્દો મહા કૌભાંડનો ઈશારો કરી રહ્યા છે. જાણકારોના મતે, વાંદરીયા ગામે ભ્રષ્ટાચારની બૂમરાણ બાબતે તપાસ થઈ હતી તે સરાજાહેર છે પરંતુ પાછળથી શું થયું તેની ગંધ કોઈને આવી નથી આથી લાખોની લેવડદેવડનો મામલો સરકારના હિતમાં તપાસ માટે અત્યંત જરૂરી છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લાખો રૂપિયાની આપ-લે કોના કોના વચ્ચે અને કેમ તે બાબતે એસીબીએ તપાસ માટે સુઓમોટો લેવું જોઈએ તેના મજબૂત કારણો છે. કેમ કે પ્રમુખ ભરત પારગી ખુદ વારંવાર ટીડીઓનો ઉલ્લેખ કરી કંઈક રાંધ્યું હોવાનું તળપદી ભાષામાં બોલે છે. આટલુ જ નહિ, ટીડીઓ સાથે જે વાર્તાલાપ થયો તેનો કેટલોક હિસ્સો સાંભળતા લોકો સમક્ષ પ્રમુખ ખુદ રજૂ કરે છે તે રેકોર્ડિંગમાં સ્પષ્ટ જણાય છે. ટીડીઓ એ તાલુકા પંચાયતના વહીવટી વડા અને સરકારના પ્રતિનિધિ હોવાથી લાખોની લેવડદેવડનો વિષય શોધી કોઈ લાંચ હતી કે કેમ તે શોધવું એસીબી માટે મહત્વપૂર્ણ બને છે.