ચકચાર@સંજેલી: બજારમાં મોટા વેપારીને ત્યાં દરોડા? મોડીરાત્રિ સુધી તપાસ ટીમનો ધમધમાટ રહ્યાની બૂમ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલીમાં ગત દિવસે ટેક્ષ વિભાગની ટીમ આવી હોવાની અને મોટાં ગજાના વેપારીને ત્યાં તપાસ થઈ હોવાની ચકચાર મચી જવા પામી છે. મોડીરાત્રિ સુધી તપાસનો ધમધમાટ રહ્યો અને તપાસ ટીમે કાગળો, બીલો સહિતના રેકર્ડ મેળવી લીધા હોવાની સમગ્ર વિસ્તારમાં બૂમરાણ મચી છે. આ વેપારી બાંધકામ સંબંધિત માલસામાનનો ખૂબ મોટા ખરીદ વેચાણ ધરાવતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ફેલાઇ જતાં મામલો રસપ્રદ બનતો જાય છે. આ બાબતે વિગતો મેળવતાં તપાસ ટીમ બપોર કારમાં આવી રાત્રિ સુધી એક જ જગ્યાએ રહી મોડી રાત્રે નિકળી ગઇ હોવાનું બજારનાં વર્તુંળોમાં ફેલાયું છે.
દાહોદ જિલ્લાના સંજેલી નગર/તાલુકામાં ગત દિવસે બપોરના સમયે અચાનક મોટાં વેપારીના સ્થળે તપાસ આવ્યાની ચકચાર એવી ફેલાઇ છે કે, મામલો હાઇ લેવલનો હોવાના દાવા થઈ રહ્યા છે. બાંધકામના વિવિધ સામાનનો વર્ષોથી મોટા ગજાનો વેપાર કરતાં વેપારીને ત્યાં તપાસ થઈ હોવાની અને સતત 12થી 14 કલાક ટેક્ષ બાબતે તપાસ ચાલી હોવાની ચકચાર ફેલાઇ છે. આ વિષયે કેટલાક વેપારીઓમાં જીએસટી તો કેટલાક વેપારીઓમાં ઇન્કમટેક્સ તપાસ હોવાની તરેહતરેહની ચર્ચા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવા તો કયા મોટા ગજાના વેપારી છે તે જાણતાં લોકો ત્યાં સુધી કહે છે કે, પંચાયત સહિતના કામોમાં પણ સદર વેપારીનો માલસામાન જાય છે. આટલુ જ નહિ એવી પણ ફરિયાદ થઇ છે કે, પંચાયતના કામોમાં જે બીલો ચૂકવાયા તેવા કામોની તપાસ માટે પણ અરજી થયેલી છે. આવી સ્થિતિમાં સરકારના હિતમાં આ બાબત ખૂબ અગત્યની બનતી જાય છે.