ચકચાર@સીંગવડ: મનરેગામાં ખેડૂતો અને સરકાર સાથે છેતરપિંડી, લૂંટ સમાન કૌભાંડ જાણી હચમચી જશો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગામાં સૌથી મોટા કૌભાંડનો મજબૂત પુરાવા સાથે ઘટસ્ફોટ થયો છે. સિસ્ટમનો દૂરૂપયોગ કરી એકબીજાના મેળાપીપણામાં લૂંટ સમાન આ કૌભાંડ જાણી તમે હચમચી જશો. મનરેગા કૌભાંડી ટોળકીએ ગામના 3 ખેડૂતો સાથે છેતરપિંડી આચરી ખુદ તંત્ર સરકાર સાથે છેતરપિંડી કરી છે. પુરાવા સાથેની અરજી થઈ છતાં ટીડીઓ કાર્યવાહી કરતા નથી અને એપીઓ બધું જ જાણે છતાં એક્ટ મુજબ ફરિયાદ કરાવી શકતાં નથી. મનરેગામાં અત્યાર સુધીના અનેક સમાચારો પૈકી આ ન્યૂઝ રીપોર્ટ વાંચી ઘડીભર સવાલ થશે કે, અહીં દેખરેખનુ કોઈ તંત્ર છે? વાંચો સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતના સાચકપુર ગામમાં મનરેગા કૌભાંડ કમ લૂંટનો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2023-23, 2023-24 દરમ્યાન ભૂતખેડી ગામમાં કરોડોની ગ્રાન્ટ મનરેગા હેઠળ ખર્ચવામાં આવી. જેમાં સરદારભાઇ, સુરસંગભાઇ અને લલ્લુભાઈ નામે 3 ખેડૂતોના ખેતરમાં 15 લાખથી વધુના ખર્ચે કુલ 3 ચેકડેમ કાગળ ઉપર બનાવ્યા હતા. આ દરમ્યાન ગામના સરપંચે ખેડૂતોને કહ્યું કે, તમે તમારા ખર્ચે ચેકડેમ બનાવી દો, બીલો મૂકતાં ગ્રાન્ટ આવશે એટલે પેમેન્ટ મળી જશે. આ પછી એક સર્વે નંબરમાં ચેકડેમ બનાવ્યો તો સીંગવડ તાલુકા પંચાયતની મનરેગા ટીમે એકસાથે 3 ચેકડેમ બનાવ્યા હોવાનું સરકારમાં બતાવી બીલો મૂકી રકમ એજન્સીને આપી દીધી. વાંચો કેવી રીતે મનરેગા ટીમે અને એજન્સીએ ખેડૂતો સાથે સરકારને છેતર્યા અને લૂંટ કેવી રીતે કરી તે વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની વિગતો મેળવી સીંગવડ તાલુકાના મનરેગાના કર્મચારીઓએ બૈગસ રીતે ઓનલાઇન ડેટા અપલોડ કર્યો, આ પછી મટીરીયલ એજન્સી પાસેથી સિમેન્ટ, કોંક્રિટ સહિતના બીલો લીધા. 3 ખેતરમાં 3 ચેકડેમ બનાવ્યા હોવાના બોગસ લેબર ખર્ચ અને બોગસ મટીરીયલ બીલો મૂકી સરકાર, તંત્રને આંખમાં ધૂળ નાખી લૂંટ કરી લીધી. આ તમામ વિગતો ઓનલાઇન અપલોડ છે, અરજદારની ફરિયાદ છે, સ્થળ ઉપર પણ હકીકત છે આમ છતાં સીંગવડ ટીડીઓ ભગોરા કાર્યવાહી કરતાં નથી. આટલુ જ નહિ, મનરેગાના મહિલા એપીઓ તમામ પરિસ્થિતિથી વાકેફ છતાં ચૂપ છે.
સીંગવડ તાલુકાના એક નહિ અનેક ખેડૂતો સાથે છેતરપિંડી, ખળભળાટ મચ્યો
સીંગવડ તાલુકામાં મનરેગા કૌભાંડ શબ્દ નાનો લાગશે પરંતુ તમે સીંગવડ તાલુકાના ગામેગામ થયેલા મનરેગા કામોનો રીપોર્ટ મેળવી એક એક લાભાર્થીને મળશો તો મનરેગામાં એકબીજાના મેળાપીપણાથી થયેલી સનસનીખેજ લૂંટનો પર્દાફાશ ખબર પડશે. સ્થાનિકોના મતે, એક નહિ અનેક ખેડૂતોને લાલચ કે અન્ય કોઈ બાબતે ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરી છે. આ છેતરપિંડી ખેડૂતોના નામે પરંતુ હકીકતમાં ખુદ તંત્રમાં કામ કરતાં ઈસમોએ તંત્ર સાથે કરેલી મહા છેતરપિંડી છે.