ગંભીર@બારીયા: હોસ્પિટલમાં આકસ્મિક વિઝીટ કરો સચિવો, દર્દીએ સોનોગ્રાફી દરમ્યાન ભાંડો ફોડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયાની સૌથી મોટી અને સરકારના અહિંની જનતા માટે ચાર હાથથી આશીર્વાદરૂપ છે તેવી જયદિપસિંહજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક જોવા તપાસવાની જરૂર છે ? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, અગાઉ અનેકવાર અહેવાલ આવી ચૂક્યા કે, ડોક્ટરો નિયમિત અને સંપૂર્ણ ટાઈમ ઉપસ્થિત જોવા મળતાં નથી. આ સંદર્ભમાં ગઈ કાલે સારવાર અર્થે ગયેલા એક દર્દીને સોનોગ્રાફી કરાવવાની જરૂરિયાત સામે સ્ટાફ દ્વારા જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. બપોર પછી સોનોગ્રાફી ના થાય એવું કહીને ફરજમાં ચોરી કરવાનો, ગેરમાર્ગે દોરવાનો, દર્દીને પરેશાન કરવાનો અને ગંભીર પ્રકારની ચૂકનો આક્ષેપ થયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની સરકારની સૌથી મોટી હોસ્પિટલ બારીયા શહેરમાં આવેલી છે પરંતુ અવારનવાર નાણાંકીય વહીવટ અને દર્દીઓ પ્રત્યેની વર્તણૂક બાબતે ચર્ચામાં રહે છે. ગઈકાલે બપોરના સમયે જયદિપસિંહજી હોસ્પિટલમાં ગયેલા એક દર્દીને સોનોગ્રાફી કરાવવાની હતી ત્યારે જ્યાં સોનોગ્રાફી થાય છે તે રૂમમાં જતાં સૌપ્રથમ ડોક્ટર સાહેબ તો હતા નહિ પરંતુ સ્ટાફ દ્વારા જણાવી દેવામાં આવ્યું કે, બપોર પછી સોનોગ્રાફી ના થાય. આ સાંભળી ચોંકી ઉઠેલા દર્દીએ દોડધામ કરીને મુખ્ય અધિકારી સુધી વાતની જાણ કરતાં સામે આવ્યું કે સવારથી બપોર અને બપોરથી સાંજ એમ બે સમય દરમ્યાન સોનોગ્રાફી થાય છે. જોકે સોનોગ્રાફી સ્થળે જાઓ તો જવાબમાં ના પાડી રવાના કરી દેવાય છે. આથી અહિં એક વાત સ્પષ્ટ થાય કે, સચિવો તાત્કાલિક અસરથી આકસ્મિક વિઝીટ કરો એ પણ દર્દી બનીને. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક દર્દીને સારવારની પ્રક્રિયા ચાલુ હોય અને સોનોગ્રાફી આવશ્યક હોય ત્યારે સ્ટાફ કેવીરીતે ઈરાદાપૂર્વક નહિ થાય તેવું કહી શકે? આ બાબત ગંભીર હોઈ મુખ્ય અધિકારી ડો. રહીમ મેમણને પૂછતાં જણાવ્યું કે, બીજીવાર આવું નહિ થાય અને થશે તો સ્ટાફ કે જવાબદાર સામે કાર્યવાહી કરવાની સુચના આપી છે. જોકે અહિં સવાલ થાય કે, સ્ટાફને જ્ઞાન નથી કે નાનામાં નાની બાબત અધિક્ષકને પૂછ્યા વગર થતી નથી તેવો ડર છે? આ પહેલાં પણ ડોક્ટર સહિતના સ્ટાફ નિયમિત અને સંપૂર્ણ ફરજ સુધીમાં હાજર ના રહેતાં હોવાની બૂમરાણો ઉઠતી રહી છે ત્યારે ગાંધીનગર સ્થિત સચિવ સાહેબો જરા એકાદવાર દર્દી બનીને આકસ્મિક તપાસ કરો. જેવી રીતે મકવાણાજી અગાઉ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી હતા ત્યારે એક લાભાર્થી તરીકે મામલતદાર કચેરી જઈ તપાસ શોધી હતી.