ગંભીર@દાહોદ: ગુરૂઓને ગેરમાર્ગે દોરી મંડળીએ બોગસ દાખલાનો વેપાર કર્યો, આઇટી રિટર્નમાં ખોટું વ્યાજ બતાવ્યું
Aug 3, 2025, 08:45 IST

વ્યાજ ભરપાઇના પ્રમાણપત્રોમાં પણ અધૂરી અને ગેરમાર્ગે દોરતી વિગતો ભરી વેચાણ કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં એક એવું કૌભાંડ થયેલું છે જેમાં સરકારની અનેક તપાસ એજન્સીઓને જોડાવું પડે તેવી સ્થિતિ છે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં નાણાંનો બચાવ કરાવવાની લોભામણી વાતો કરી એક મંડળીએ બોગસ પ્રમાણપત્રોનો વેપાર કરી લીધો છે. મંડળીને લાખો રૂપિયાનું વ્યાજ ભર્યું હોવાના બોગસ પ્રમાણપત્રો મંડળીએ બનાવી રીતસર વેચાણ કરી આઇટી રિટર્ન ફાઇલમાં ખોટી વિગતો ભરાવી છે. એવા પણ કિસ્સા છે, જ્યાં સભાસદે લોન ના લીધી હોય કોઈ સભાસદ જ ના હોય, લોનનો પ્રકાર બીજો અને વ્યાજની રકમ બીજી છતાં બોગસ પ્રમાણપત્રોનો વેપાર કર્યો છે. એક પ્રમાણપત્રના સરેરાશ 2 હજારથી 4 હજાર સુધીના ભાવે વેચ્યા હોવાની સનસનીખેજ વિગતો આવતાં ખળભળાટ મચી ગયો છે. જો આ સમગ્ર કૌભાંડમાં જિલ્લા રજીસ્ટ્રારથી માંડી ઈન્કમટેક્સ સુધીના ઉતરી જાય તો અનેકને ઘરભેગા થવા સાથે બોગસ વેપલા બદલ મોટી કાર્યવાહીનો ખુલાસો થાય તેવી શક્યતા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ એવું ક્ષેત્ર નથી જ્યાં વિકાસ માટે મદદ ના કરી હોય. રાજ્ય કેન્દ્ર સરકાર શિક્ષણ માટે વિશેષ કરીને પ્રયાસો કરી રહી પરંતુ રાષ્ટ્રહિતની જવાબદારી વાળા કેવી રીતે પોતાના અંગતો લાભો માટે ભાન ભૂલ્યા તેની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. કોઈ એક મંડળીના સત્તાધિશો કે જેઓ પોતાને નેતુડી સમજી રહ્યા તેમના દ્વારા જાહેરમાં દેશપ્રેમની વાતો જરૂર થાય પરંતુ બોગસ પ્રમાણપત્રો બનાવી, રૂપિયા લઈ વેચી, શિક્ષકોને ગેરમાર્ગે દોરી ગંભીર ભ્રષ્ટાચારને અંજામ આપ્યો છે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવા સમયે અનેક શિક્ષકમિત્રોને ખોટી લોન અને વ્યાજ ભરપાઇનો દાખલો આપી રિટર્ન ફાઇલમાં રકમ ઓછી કરવા અથવા નીલ ભરાવવા ગોઠવણ કરી આપી હતી. સભાસદ હોય કે ના હોય, લોન લીધી હોય કે ના હોય, વ્યાજની રકમ લખી હોય તે મુજબ હકીકતમાં હોય કે ના હોય, લોનનો પ્રકાર હકીકતમાં હોય કે ના હોય છતાં રૂપિયા 2000થી 4000 જેવા શિક્ષક એવી રકમ લઈ બોગસ પ્રમાણપત્રો વહેંચ્યા હતા. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું, આટલુ જ નહિ, બોગસ પ્રમાણપત્રો પણ કેવા જેમાં વિગતો અધૂરી હોય, ગેરમાર્ગે દોરતી હોય, દાખલો લેનારને લાગતી વળગતી ના હોય છતાં તેવા પ્રમાણપત્રોનો વેપાર કર્યો છે. જો આ બાબતે રાજ્ય સહકારી રજીસ્ટ્રાર, શિક્ષણ વિભાગ અથવા ઈન્કમટેક્સની ટીમ તપાસમાં ઉતરી જાય તો આખો ખેલ ઉઘાડો પડે તેમ છે. આમાં મંડળીના અમુક લાલચી એજન્ટોએ તો શિક્ષકોને ગેરમાર્ગે દોરી કોઈ સંસ્થામાં દાન કર્યાની ખોટી પહોંચ/સ્લિપની પણ ગોઠવણ કરી આપી એક રીતે ભારતના મહાન અને દેશના વિકાસની કરોડરજ્જુ એવા ઈન્કમટેક્સને ઓનલાઇન વિગતો આપવામાં ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં પણ કોઈ કસર છોડી નથી. આ અંગે જાગૃત નાગરિકે સંબંધિત ઓથોરિટીને ધ્યાને મૂકી તાત્કાલિક અસરથી ગુપ્ત રાહે તપાસ કરવા પણ રજૂઆત કરતાં મામલો રસપ્રદ બનતો જાય છે.