ગંભીર@ઝાલોદ: માર્કેટયાર્ડ સરકારના નિયંત્રણ વગરની ઘરની પેઢી છે? પ્લોટ વેચાણના ઠરાવ અને તપાસ વાંચી ચોંકી જશો

 
Image
ઠરાવમાં લખે છે, અરજી મંગાવી તો તપાસમાં લખે છે કે, ટેન્ડર મંગાવ્યા અને સામાન્ય સભામાં ટેન્ડર ખોલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટ મુદ્દે તત્કાલીન વાઇસ ચેરમેને કરેલા ગંભીર આક્ષેપો બાદ તપાસ થઈ તેમાં વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ખાસ કરીને પ્લોટ વેચાણ માટે સહકાર વિભાગની સુચનાઓ/નિયમો અને અહિં ઝાલોદ માર્કેટયાર્ડના સત્તાધિશોએ કરેલ વહીવટ સવાલો વચ્ચે છે. આ સવાલો હોવા છતાં તપાસ અધિકારી રાઠોડે પોતાના અહેવાલમાં જે લખ્યું તેનાથી તો ડબલ સવાલો અને શંકા વધી ગઈ છે. સબયાર્ડ લીમડીના ખુલ્લા પ્લોટ બહોળી પ્રસિદ્ધિ વગર, માર્કેટ વેલ્યુ કાઢ્યા વગર, ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર માત્ર અરજી લઈ વેચી દીધા છતાં તપાસ અધિકારી લખે છે કે, નોટીસ બોર્ડમાં પ્રસિદ્ધિ કરી ટેન્ડર મંગાવી નિયમોનુસાર વેચ્યા છે. હવે જાણીએ ઠરાવના શબ્દો અને તપાસના શબ્દો વચ્ચે ક્યાં કેવો ખેલ થયો. વાંચો સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ગત સમયે ઉપરાછાપરી અનેક ઠરાવો કરી તબક્કાવાર અનેક પ્લોટ વેચાણ કર્યા છે. તેમાં આજે આપણે સબયાર્ડ લીમડીના પડતર જમીન ઉપર પ્લોટ પાડી વેચાણ કર્યાનો એક ઠરાવ વાંચીએ પછી તેના મુદ્દે થયેલી તપાસ વાંચીએ. આ બંને વાંચી સમજીને સહકાર વિભાગની સુચના તેમજ માર્કેટયાર્ડને વધુ આવક કરવા શું કરવાનું હોય તે પણ જાણીએ. ઝાલોદ એપીએમસીના એક ઠરાવ નં. 4 માં લખ્યું છે કે, સબયાર્ડ લીંબડીના ભોંય તળિયાની ખુલ્લી જગ્યામાં 9×20 ના પ્લોટ પાડી કિંમત નક્કી કરવા બાબત, આ પછી આગળ લખે છે કે, પુખ્ત વિચારણાને અંતે સદર પ્લોટના વેચાણ માટે 5 શરતો નક્કી કરી લખાણમાં બતાવી અંતમાં લખે છે કે, નીચે મુજબના વેપારીઓની સદર ખુલ્લી જગ્યા મેળવવા શરતોને આધીન અરજી આવતાં માન્ય ગણી પ્લોટ ફાળવવામાં આવે છે. નીચેના ફકરામાં આ મુદ્દે તપાસ વાંચી વાંચી હચમચી જશો.

હવે આ ઠરાવ બાબતે અને પ્લોટ વેચાણની પ્રક્રિયા બરાબર છે તેમ બતાવવા તપાસ અધિકારી રાઠોડ પોતાના અહેવાલમાં લખે છે કે, ઝાલોદ અને લીંમડી યાર્ડના નોટીસ બોર્ડ ઉપર જાહેરાત આપી, તેના અનુસંધાને બંધ કવરમાં ટેન્ડરો મંગાવી, આ ટેન્ડરો સામાન્ય સભામાં ખોલી વધુમાં વધુ કિંમત આપનારને આ પ્લોટ ફાળવવામાં આવ્યા. હવે આ જાહેરાત કઈ તારીખે લગાવવામાં આવી હતી? જાહેરાત નંબર/ક્રમાંક શું? જાહેરાત પછી ટેન્ડર મંગાવ્યા કે અરજી? જો ટેન્ડર હતા તો ટેન્ડર નંબર શું? ઠરાવમાં અરજી અને તપાસમાં ટેન્ડર કેમ? જાહેરાત આપી તો તેનો પત્ર ક્રમાંક કયો? ઠરાવમાં જાહેરાતનો ક્રમાંક કેમ નથી? નીચેના ફકરામાં નિયમો વાંચી તપાસ અધિકારીની તપાસ ખુલી પડી જશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ સત્તાધિશોની ઘરની પેઢી નથી, કેમ કે રાજ્યભરની એપીએમસી આખરે તો કૃષિ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે. આ માટે એપીએમસી એક્ટ, જોગવાઈઓ, વખતોવખતની સુચનાઓ પણ પાળવાની હોય છે. હવે આ ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોએ પ્લોટ વેચાણ માટે યાર્ડને આર્થિક રીતે વધારે ફાયદો કરાવવો હતો તો પછી કેમ બહોળી પ્રસિદ્ધિ આપી નહિ, કેમ માર્કેટ વેલ્યુ કઢાવી નહિ? અરજી મંગાવી તો જાહેર હરાજી માટે ટેન્ડર કેમ ના કર્યું? શું આ ઠરાવ વાંચી ઘરમેળે વેચાણ થયાનું નથી લાગતું? આ સમગ્ર મામલો નિયામક અને રાજ્ય રજીસ્ટ્રાર સુધી પણ પહોંચી ગયો છે. વધુ આગામી રિપોર્ટમાં જાણીશું.