ગંભીર@સંજેલી: ગંદકીથી ત્રાહિમામ્ ગામલોકોને સાંભળી કલેક્ટર ચોંક્યા, ડીએમનો હુકમ છતાં વેદના યથાવત્

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકાના મુખ્ય મથક ખુદ સંજેલી ગામમાં જ ગ્રામજનો છેલ્લા ઘણાં સમયથી જાહેરમાં દેખાતી સમસ્યાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મુખ્ય રોડ પરની ગંદકીના કારણે થતી વેદનાનો અવાજ ગ્રામ પંચાયત અને ટીડીઓ સુધી જતો છતાં દર્દ યથાવત્ રહેતાં ગ્રામજનોએ કલેક્ટરને વેદના જણાવી. લોકપ્રિય કલેક્ટર નિરગુડે ગંદકીના ઢગ જોવા રૂબરૂ ગયા અને પછી તુરંત સ્થળ પરથી ટીડીઓને સુચના આપી હતી. આ વાતને ઘણા દિવસો વીતી ગયા છતાં કલેક્ટરનો આદેશ વિલંબમાં છે. આ બાબતે મામલતદારને પૂછતાં જણાવ્યું કે, ગ્રામ પંચાયત પાસે જમીન નથી અને ગંદકીની જગ્યા કોર્ડન કરવા દોડધામ ચાલુ છે. જોકે ગ્રામજનો વાયદાથી કંટાળ્યા ત્યારે કલેક્ટરને ફરિયાદ કરી પરંતુ અહિં હુક્મનો કેટલા હદે વિલંબ અને કોના પાપે તકલીફ ચાલુ છે તે જાણવું પડે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સંજેલી મથકે ગ્રામ પંચાયતથી નજીક એવા પ્રતાપપુરા રોડ ઉપર માર્ગને અડીને ખૂબ મોટા પ્રમાણમાં કચરાનો ભરાવો છે. અહિં સતત વાહનચાલકોની અવરજવર તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ રાહદારી માફક પસાર થતાં હોય ભયંકર ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ બાબતે ઘણા સમયથી ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા પરંતુ તલાટી, સરપંચ કે ટીડીઓને કાને પડવા છતાં નિરાકરણ નહિ આવતાં તાલુકા સ્વાગતમાં આવેલ કલેક્ટર યોગેશ નિરગુડેને ધ્યાને મૂક્યું હતુ. આથી મૃદુ અને પ્રામાણિક કલેક્ટર તાત્કાલિક અસરથી ગંદકીના ઢગ જોવા પહોંચી ચોંકી જઈ સ્થળ ઉપર જ ટીડીઓ ડામોરને સુચના આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની સુચના છતાં ગામલોકોને આજદિન સુધી ટીડીઓ સમસ્યાથી રાહત આપવામાં નિષ્ફળ ગયા છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખુદ કલેક્ટરે નવી જગ્યાએ કચરાના ઢગ ખસેડવા અથવા અન્ય વિકલ્પો શોધવા મૌખિક સૂચના આપી હતી. આમ છતાં તલાટી કે ટીડીઓ વર્ષોથી ત્રાહિમામ્ ગામલોકોને રાહત આપવામાં બેદરકારી દાખવી રહ્યા છે. આ બાબતે સંજેલી મામલતદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં અન્ય સરકારી પડતર જમીન નથી એટલે કચરો રોડ ઉપર ના આવે તે માટે હાલ જગ્યા કોર્ડન કરવી જરૂરી છે. જોકે મુખ્ય જવાબદાર એવા તલાટીને વારંવાર ફોન કરવા છતાં ઉપાડવાનું ટાળ્યું હતું અને ટીડીઓ કોઈપણ સમસ્યા આવે તો વોટ્સએપ નંબર બ્લોક કરે છે એનાથી સમજી શકાય કે, ટીડીઓ પોતાને બધાથી હોશિયાર સમજે છે.