ઈમ્પેક્ટ@ઝાલોદ: માર્કેટયાર્ડના પ્લોટ વેચાણની તત્કાલ નવી તપાસના આદેશ, હાલની તપાસથી ચોંકી વડી કચેરી

 
Image
હાલની તપાસમાં કેટલુંક જુઠ અને કેટલીક ક્ષતિઓ માલૂમ પડતાં શું ભૂતકાળની તપાસમાં પણ લાલિયાવાડી થઈ હશે ? એવા સવાલો ઉભા થયા 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોએ પ્લોટ વેચાણની કરેલી પ્રક્રિયા સામે થયેલી ફરિયાદ બાદ તપાસમાં ભયંકર બેદરકારી છતી થઇ છે. હાલની તપાસમાં અનેક ક્ષતિઓ માલૂમ પડતાં વડી કચેરી સૌથી પહેલાં તપાસની પધ્ધતિથી ચોંકી ગઇ અને તત્કાલ નવી તપાસના આદેશ આપ્યા છે. તપાસ અધિકારીએ જેવી રીતે અને જે કાર્યપદ્ધતિથી તપાસ રીપોર્ટ બનાવ્યો તે જૂઠથી ભરેલો, શંકાસ્પદ અભિપ્રાયો અને નિયમાનુસારની પ્રક્રિયાથી અલગ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વિષયે ગાંધીનગર સ્થિત વડી કચેરીએ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરતાં ચોંકી જઈ તદ્દન નવી તપાસ એ પણ ધોરણસરની કાર્યપદ્ધતિથી કરવા સુચના અપાઈ છે. અટલ સમાચાર ઈમ્પેક્ટનો આ સ્પેશ્યલ ન્યૂઝ રીપોર્ટ મતદારોના હિતમાં સમર્પિત.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોએ ગત સમયે ઝાલોદ મુખ્ય યાર્ડ અને લીમડી સબ યાર્ડના અનેક ખુલા પ્લોટ વેચાણ કર્યા હતા. આ વેચાણ પ્રક્રિયામાં ભયંકર ભ્રષ્ટાચારનો આક્ષેપ અને સનસનીખેજ આરોપ મૂકીને તત્કાલીન વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ દાહોદ જિલ્લા રજીસ્ટ્રારને તપાસની રજૂઆત કરી હતી. આથી દાહોદ જિલ્લા રજીસ્ટ્રાર ચૌધરીએ તાબા હેઠળના કર્મચારી ઉમેશ રાઠોડને તપાસ કરવા કહ્યું ત્યારે ગણતરીના દિવસોમાં તપાસ તો થઈ પરંતુ ચોંકાવનારી વિગતો સામે આવી. તપાસ કરનાર કર્મચારી રાઠોડે પોતાના અહેવાલમાં અનેક ક્ષતિઓ રાખી, જુઠ શબ્દો લખ્યા, નિયમો ટાંક્યા વગર ઠરાવ આધારે ક્લિન ચીટ ઉભી કરી હતી. આ તપાસ રીપોર્ટના વિરુદ્ધમાં ફરીથી અરજી આવી અને મામલો ગાંધીનગર સ્થિત નિયામક અને રાજ્ય રજીસ્ટ્રાર સુધી પહોંચી ગયો. આ પછી શું થયું એ પણ વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના અધિકારીઓ ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્લોટ વેચાણ/ફાળવણી બાબતના વિષય ઉપર થયેલી તપાસનો રીપોર્ટ વાંચી ચોંકી ગયા છે. આથી તત્કાલ પ્રભાવથી ફેર તપાસ કરવાના આદેશ દાહોદ જિલ્લા રજીસ્ટ્રારને આપ્યા છે. આ તરફ તપાસ કરનાર કર્મચારી રાઠોડે અરજીકર્તા વિજયભાઈ કોળીને પણ નવેસરથી તપાસ હાથ ધરવાની જાણ કરતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. ગાંધીનગર સ્થિત નિયામકે જણાવ્યું હતું કે, આ તપાસ બરોબર નથી અને પ્રથમ તબ્બકે યોગ્ય નહિ જણાતાં ફેર તપાસનું કહ્યું છે. નવી તપાસ અને જૂની તપાસના રીપોર્ટમાં જેવો ફેરફાર આવશે એ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવી કે કેમ તે પણ નક્કી થશે.