ખળભળાટ@સંજેલી: શોકપીટની ગ્રાન્ટમાં ભાગ પાડી ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ, તલાટી સરપંચની કથિત MO બતાવી

 
Image
અરજદારે જેવીરીતે લખાણ આપ્યું એ જોતાં ઉંડો અભ્યાસ કરી વિગતો મેળવી હોવાનું મનાય છે 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સ્વચ્છ ભારત મિશન હેઠળ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠતી હોય પરંતુ દાહોદ જિલ્લાના આ તાલુકામાં સનસનીખેજ આક્ષેપની અરજીથી ખળભળાટ મચી ગયો છે. ગામના અરજદારે ટીડીઓને લેખિતમાં આપી જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારમાં ભાગ પાડી નાણાં બારોબાર ચાંઉ થયા અને બીજા થવાના હોવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહિ અરજદારે તો કથિત ભ્રષ્ટાચારની એક રીતે મોડસ ઓપરેન્ડી જણાવી તલાટી અને સરપંચ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે. અરજદારે કેવીરીતે જાણે ઉંડાણપૂર્વકની તપાસ કરીને અરજી તૈયાર કરી હશે તે પણ સૌથી મોટો સવાલ છે. કેમ કે, સ્વચ્છ ભારત મિશન હેઠળના ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવતાં શોકપીટની ગ્રાન્ટનો કથિત દૂરૂપયોગ અરજદારે ફરિયાદમાં કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામમાં ભલે પારદર્શક વહીવટનો દાવો થાય પરંતુ સ્વચ્છ ભારત મિશનની એક ગ્રાન્ટમાં ભયંકર ભ્રષ્ટાચારનો આરોપ ગામનાં જ નાગરિકે કર્યો છે. ગત 1 જુલાઇએ યાસીનભાઇ નામના અરજદારે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ અરજી આપી કે, નાણાંકીય વર્ષ 2024-25 દરમ્યાન શોકપીટ સ્ટ્રક્ચરની ગ્રાન્ટમાં સરપંચ અને તલાટીએ ગ્રામસભા કે સામાન્ય સભામાં ચર્ચા અથવા સહમતી વગર બારોબાર ભાગ પાડી ભ્રષ્ટાચાર કર્યો છે તેવો ચોંકાવનારો આક્ષેપ મૂક્યો છે. આટલુ જ અરજદારે તો નાણાંકીય વર્ષ 2025-26 માં આવનાર ગ્રાન્ટમાં પણ દાવો કર્યો છે કે, બારોબાર નાણાં ચાઉં કરવા આયોજન ઘડેલ છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારની ફરિયાદના શબ્દોમાં તપાસ પહેલાં ગંભીર આક્ષેપ જ ગણાય પરંતુ જેવી રીતે અરજીમાં ઉલ્લેખ થયો તે વાંચતા કથિત કૌભાંડની જાણે મોડસ ઓપરેન્ડી જ જણાવી દીધી છે. અરજદારે સંજેલી તલાટી અને સરપંચ ઉપર ભ્રષ્ટાચારમાં ભાગ પાડી વહીવટ કરતાં હોવાનો આરોપ શું એમ જ મૂક્યો છે? રાજ્ય જિલ્લામાંથી મંજૂર થતાં શોકપીટ જ્યારે સંજેલી ગામમાં આવે ત્યારે શું બારોબાર ફાળવણી એટલે લ્હાણી થાય છે? અહિં અરજદારે માત્ર કૌભાંડ બહાર લાવવાનો પ્રયાસ પરંતુ સૌથી મોટો હેતું શોકપીટ ફાળવણી સર્વ સહમતિથી અને જાહેરમાં થાય તેની માંગ દર્શાવી છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં સમગ્ર કથિત કૌભાંડની ફરિયાદમાં ઉંડાણપૂર્વકની વિગતો મેળવી ઘટસ્ફોટ કરીએ.