ખળભળાટ@સંજેલી: 10 લાખથી વધુના કામો સ્થળ ઉપર ના હોવાનું કહી ટીડીઓ, તલાટી સામે ગુનો નોંધાવા અરજી

ટીડીઓએ જો તપાસ કરી હોય અથવા અગાઉ તપાસ થઈ હોય તો ટીડીઓ કૃણાલ ડામોર કેમ રીપોર્ટની નકલો ગામલોકો સમક્ષ મૂકતાં નથી ??
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકામાં એક પછી એક ભ્રષ્ટાચારની અરજીઓ થતાં સમગ્ર પંથકમાં ચકચાર તો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સંજેલી ગામના જ એક અરજદારે ગામનાં વિકાસના કામો શોધી, અભ્યાસ કરી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની જે અરજી કરી છે તેને લઈ ખળભળાટ મચી ગયો છે. 10 લાખથી વધુના કામો સ્થળ ઉપર ના હોવાનું કહી અરજદાર ઈરશાદ મોડાસીયા નામના નાગરિકે સરપચ, તલાટી અને ટીડીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવા દોડધામ કરી છે. હવે અહિં સૌથી મોટો સવાલ ત્યારે થયો જ્યારે ટીડીઓ કૃણાલ ડામોરે કહ્યું, અરજદારે કામોથી સંતોષ હોવાનું કહ્યું છે. આ તરફ અરજદારને પૂછતાં જણાવ્યું કે, જો સંતોષ હોવાનું કહ્યું હોય તો ટીડીઓ જાહેર કરે. આ સમગ્ર મામલે અરજદારે તાલુકાથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી અને આખરે આઇજીના લોકદરબારમાં પણ મામલો ઉઠ્યો હતો. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગામમાં જ ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો અને નાણાંકીય અનિયમિતતાની ફરિયાદો ચોંકાવનારી બની છે. ગામના નાગરિક ઈરશાદ મોડાસીયા છેલ્લા કેટલાક મહિનાઓથી નાણાંપંચના 6 જેટલા કામો સ્થળ ઉપર ના હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ભાણપુર ફાટક ફળિયામાં મીની એલાઈમેન્ટ, આદીજાતી ચોક ઉપર મીની એલાઈમેન્ટ, મોડાસીયા ફળિયામાં બોર મોટરનુ કામ, નવી વસાહત ફળિયાથી બસસ્ટેન્ડ આગળ ગટરનુ કામ, નીલવાળી ચાલી ફળિયાથી બસસ્ટેન્ડ સુધી ગટરનુ કામ, અનીસભાઇના ઘરથી પ્રકાશ રાવતના ઘર સુધી ગટરનુ કામ સ્થળ ઉપર નથી તેવો દાવો અરજદારે કર્યો છે. ઉપરના કુલ 6 કામનાં કુલ રૂપિયા 10લાખ 47હજારનો એકબીજાની મિલીભગતથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગંભીર ફરિયાદ સંજેલી પોલીસ સ્ટેશને પણ કરી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદાર સરેરાશ 8થી 10 મહિનાથી આ કામો સ્થળ ઉપર નથી તેવી અરજી કરીને તાત્કાલિક અસરથી ધોરણસરની તપાસની માંગ કરી રહ્યા છે. આથી આ બાબતે ટીડીઓ કૃણાલ ડામોરને પૂછતાં જણાવ્યું કે, અરજદાર મોડાસીયા તમને કેમ રજૂઆત કરે એ ખબર નહિ પરંતુ ખુદ અરજદારે દોઢ મહિના પહેલાં કામોથી સંતોષ હોવાનું કહ્યું છે. આથી મામલો રસપ્રદ અને રહસ્યમયી બનતાં અરજદાર મોડાસીયાને પૂછતાં ચેલેન્જ સ્વરૂપે જણાવ્યું કે, જો મેં લેખિતમાં કે મૌખિક રૂપે કહ્યું હોય તો ટીડીઓ જાહેર કરે. હકીકતમાં આ કામો સ્થળ ઉપર નથી એટલે સંપૂર્ણ ભ્રષ્ટાચાર આચર્યું હોવાનું જણાવી અરજદારે સનસનીખેજ આરોપ ટીડીઓ અને તલાટી ઉપર કર્યો છે. આટલુ જ નહિ, તત્કાલીન તલાટી મહીડા અને હાલના તલાટી પરમારને ક્લીન ચીટ સમજી લેવા પણ ટીડીઓ કૃણાલ ડામોરે જણાવતાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉપર તાત્કાલિક ડીડીઓ મારફતે તપાસ જરૂરી બની છે.