રીપોર્ટ@દાહોદ: કૌભાંડોના વાવાઝોડાથી વિકાસશીલની અબજોની ગ્રાન્ટને ગ્રહણ, મોટો ખુલાસો

 
Dahod image
વિકાસના જરાક વિલંબમાં ચાલે પરંતુ ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં નહિ ચાલે, દાહોદ કલેક્ટરના વલણથી કૌભાંડીઓમાં ફફડાટ 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
દાહોદ જિલ્લામાં કૌભાંડોના વાવાઝોડાની અસર એટલા હદે થઈ છે કે, વિકાસશીલ તાલુકાઓની અબજો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ થવાને ભારે વિલંબ થઈ રહ્યો છે. માંડ માંડ અને અત્યંત ધીમી ગતિએ વહીવટી મંજૂરીઓ આવી રહી છે તો વળી કામો પણ અગાઉ કરતાં બદલાઇ રહ્યા છે. દાહોદ જિલ્લામાં આવતી વિકાસશીલ તાલુકાઓની અબજો રૂપિયાની ગ્રાન્ટ મામલે સૌથી મોટા સમાચાર કે, નાણાંકીય વર્ષ 2024-25ના મોટાભાગના કામો હજુ શરૂ પણ થયા નથી. કેમ આવી પરિસ્થિતિ અને નવું નાણાંકીય વર્ષ શરૂ થયું છતાં જૂના વર્ષમાં કામોની ગતિનું ભવિષ્ય શું તેના વિશેનો આ સ્પેશ્યલ રિપોર્ટ.
દાહોદ જિલ્લામાં નાણાંપંચ, એમપી, એમ.એલ.એ, ટીએસપી, વિવેકાધીન, વિકાસશીલ તાલુકાઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓની વર્ષે દહાડે અબજોની ગ્રાન્ટ આવતી રહે છે. જેમાં ખાસ કરીને જિલ્લા આયોજન મંડળની વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટનો ખર્ચ ચોંકાવનારી હદે કાચબા ગતિએ મૂકાયો છે. એટલે કે, અગાઉના વર્ષોમાં સડસડાટ આવતી ટેકનિકલ અને વહીવટી મંજૂરીઓને ભ્રષ્ટાચારના વાવાઝોડાએ ભયંકર અસર પહોંચાડી છે. વિકાસશીલની એક એક તાલુકાની કરોડો અબજો રૂપિયાની મોટાભાગની ગ્રાન્ટ ખર્ચ થઈ શકી નથી. નાણાંકીય વર્ષ 2025-26 શરૂ થઈ ગયું છતાં 2024-25ના મોટાભાગના કામોના ટેન્ડર થયાં નથી. આ બાબતે જાણકારો કહે છે કે, કલેક્ટર કોઈપણ સંજોગોમાં પારદર્શકતા ઈચ્છતા હોવાથી ફુંકી ફુંકીને તેમજ ખૂબ ચકાસણી કરીને વહીવટી મંજૂરીઓ અપાઇ રહી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકાસશીલ તાલુકાઓની યોજનામાં અગાઉ મોટાભાગના કામો મટીરીયલ ખરીદીના આવતાં હતાં તેમાં પણ ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. ગત વર્ષો કરતાં ખૂબ મોટાપ્રમાણમાં મટીરીયલને બદલે આંતરમાળખાકીય સુવિધાઓના કામો મંજૂર થયા છે. જોકે પશુપાલન, આરોગ્ય અને શિક્ષણના કામો પણ મંજૂર થયા પરંતુ નાણાંકીય વર્ષ પૂર્ણ થયું છતાં કામો શરૂ થયા નથી. આ બાબતે વહીવટી આલમમાં એવી પણ બૂમરાણ છે કે, અમલીકરણ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના વારંવારના વાવાઝોડાથી ચિંતિત બની સો ગળણી ગાળીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. જોકે એક જ પ્રકારના કામો છતાં અમલીકરણ અલગ અલગ હોવાના કિસ્સા પણ છે. વાંચો અહિં.
અમલીકરણ અધિકારીએ કામો કરવામાં રસ નથી દાખવતાં ?
વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ હેઠળના કામોની વહીવટી મંજૂરી વિવિધ કચેરીઓને અપાય છે. જેમાં એવી પણ કથિત ચર્ચા છે કે, અમુક અમલીકરણ અધિકારીઓ ખરીદીના કામો બાબતે રસ દાખવતાં નથી. ચર્ચા સામે આવી કે, અમુક અમલીકરણ કામો કરવા ઈચ્છતા ના હોઈ ખુદ આયોજન કચેરીએ ટેન્ડર સહિતની પ્રક્રિયા કરવી પડશે? 
સોલાર સુવિધાના કામોમાં અલગ અલગ અમલીકરણ ?
ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના લાભાર્થીઓ માટે સોલારના કામોમાં ક્યાંક ટીડીઓ અમલીકરણ છે તો ક્યાંક વનવિભાગ પણ અમલીકરણ છે. અહીં ઉલ્લેખનીય છે કે, બારીયા વનવિભાગના અગાઉના કરોડોના કામોમાં ગેરરીતિની બૂમરાણ ઉઠી હતી.