રીપોર્ટ@દાહોદ: અનેક ગામોમાં નળ છતાં જળ નહિ, કર્મચારી બોલ્યા, ગ્રામ પંચાયતની જવાબદારી આવે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કેન્દ્ર રાજ્ય સરકારની અતિ મહત્વની યોજના નળ સે જળની પરિસ્થિતિનો શ્વેતપત્ર શોધવા જેવો છે. નળ છતાં જળ નહિ તેવા એક નહિ પરંતુ અનેક ગામો હોવાથી સૌથી પહેલાં વાસ્મોને સવાલ થાય. જોકે વાસ્મોના એક કર્મચારીએ જણાવ્યું કે, ગામની અંદર દરેક ઘરને પાણી માટે ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે. આ તરફ જિલ્લાના વધુ એક અધિકારીને પૂછ્યું તો જણાવ્યું કે, સફળ ટેસ્ટિંગ પછી યોજના ગ્રામ પંચાયતને આપીએ એટલે ગ્રામ પંચાયતે જોવું પડે. આ બંને વચ્ચે સૌથી મોટો સવાલ થાય કે, કેટલા ગામને યોજના સુપ્રત કરી અને કેટલા વાસ્મો હસ્તક છે? તો તેનો જવાબ વાસ્મોના ઈજનેર પંચાલ પાસે ના હતો. અહિં નળ સે જળ બાબતે વાચકો અને દાહોદના તમામ ગ્રામજનોને જણાવી દઈએ કે, મનરેગાની જેમ નળ સે જળમાં પણ સરકારે પારદર્શકતા માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી રાખેલી છે. જાણીએ તમામ વિગતો અવેરનેસ માટે હા, જાગૃતિ માટે.
દાહોદ જિલ્લાના સંજેલી અને દેવગઢબારિયા તાલુકામાં નળ સે જળની તાત્કાલિક અસરથી તપાસ જરૂરી નથી? આ સવાલ એટલા માટે કે, તાજેતરમાં દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે ઓવરહેડ ટાંકી છતાં લાભાર્થી પરિવારોને નળ સે જળ મલ્યું નથી તેનો વિડીયો ખુદ ગામલોકોએ વાયરલ કર્યો હતો. આ તરફ સંજેલી તાલુકાના જાગૃત નાગરિકો ભેગાં મળી તાલુકા પંચાયત પહોંચી નળ સે જળની બાબતે ભયંકર નારાજગી વ્યક્ત કરી અને કૌભાંડના આક્ષેપો કર્યા હતા. આટલુ જ નહિ, અરજદારોએ તો નળ સે જળની બાબતે કૌભાંડીઓ વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ માંગ કરી હતી. આ બંને વિષયે વાસ્મોના સલમાનભાઇને પૂછતાં જણાવ્યું કે, ગામની અંદર પાણી માટે ગ્રામ પંચાયતો ઓપરેટરોને નિયમિત પગાર નહિ આપતાં પાણીનો પ્રશ્ન છે. આથી વધુ વિગતો માટે દાહોદ વાસ્મોના અધિકારી પંચાલને પૂછતાં જણાવ્યું કે, માત્ર એક જ વાર ટેસ્ટિંગ કરીને પાણી આપ્યા પછી ગ્રામ પંચાયતની જવાબદારી આવે. નીચેના ફકરામાં વાંચો મોટો ઘટસ્ફોટ.
સૂત્રોએ જણાવ્યું હતું, રાજ્ય કેન્દ્ર સરકારે નળ સે જળની કામગીરી દરેક નાગરિકોને મળી રહે તે માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી ફરજિયાત કરેલી છે. જોકે દાહોદ જિલ્લાના અનેક ગામોમાં પાણી સમિતિની વિગતો, જવાબદારોના નામ નંબર, સો ટકા કામગીરીનો વિડિયો સહિતની માહિતી જ નથી. આ તમામ વિગતો પીડીએફ ફાઇલ તરીકે અને કામગીરી પૂર્ણ હોવાનો વિડિયો પણ ઓનલાઇન સિસ્ટમમાં અપલોડ કરવો પડે. આ બાબતે વાસ્મોના ઈજનેર પંચાલભાઇએ જણાવ્યું કે, જોવડાવીએ, ચેક કરાવીએ. હકીકતમાં આ બધી જ ખબર હોવા છતાં જોવડાવીએ શબ્દ કહી બચવાનો પ્રયત્ન થાય છે.
વાસ્મો જણાવે કયા ગામોની જવાબદારી કોની ?
દાહોદ જિલ્લાના કેટલા અને કયા ગામોમાં નળ સે જળની યોજના ગ્રામ પંચાયતને સુપ્રત કરી અને કેટલા ગામો વાસ્મોની જવાબદારીમાં છે? આ બાબતે તાલુકા વાઇઝ યાદી પૂછતાં સલમાનભાઇ આપી શક્યા નહિ અને પંચાલભાઇએ યાદી નથી બનાવવી પડશે તેમ કહ્યું હતુ પરંતુ શું યાદી ના હોય ?
શું મહીસાગર જેવું દાહોદમાં નિકળે ?
દાહોદમાં નળ સે જળની ગામ અને ઘર સુધીની વિગતો પ્રામાણિક કલેક્ટર અને જાંબાઝ ડીડીઓ સુધી જવી જોઈએ. કેમ કે, અનેક લોકો આક્ષેપ અને આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, જો તપાસ થાય તો મનરેગા જેમ અને મહીસાગરની જેમ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. વધુ વિગતો આગામી ન્યૂઝ રીપોર્ટમાં.