રિપોર્ટ@દેવગઢબારીયા: નવીન રોડનુ નાળું તાત્કાલિક રીપેર થતાં વાહનચાલકોને મોટી રાહત, ઈજનેરે આપી ખાત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકાના વાંદર, જંબુસર અને વેડ ગામને જોડતાં નવીન રોડ ઉપરનું નાળું રીપેર થયાનું સામે આવ્યું છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે ઈજનેરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ભર ચોમાસે પણ નાળું સુરક્ષિત રહે તે માટે રીપેર કર્યું હતુ. નાળું લાંબા સમય સુધી મજબૂત રહેશે અને ભારે વરસાદ કે વાહનોના ભારણને કારણે માર્ગ કે નાળું તૂટશે તો પણ વોરંટી પિરિયડમાં તાત્કાલિક રીપેરીંગની ખાત્રી ઇજનેરોએ આપી હતી. નવો નક્કોર રોડ હોઈ અને આગામી લાંબા સમય સુધી એજન્સીની જવાબદારી હોઈ રોડ પરના વાહનચાલકોને ચિંતા નથી તેમ પણ જણાવ્યું હતુ. વાંચો અટલ ઈમ્પેક્ટનો અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વાંદર, જંબુસર અને વેડ એમ ત્રણ ગામને જોડતા નવીન માર્ગને તાજેતરમાં દાહોદ માર્ગ મકાન પંચાયત હેઠળ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ ઉપર 5થી વધુ નાળાં બનાવવામાં આવ્યા છે ત્યારે રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છે પરંતુ એક નાળું કેટલાક અંશે તૂટી ગયું હતું. ચોમાસાના વરસાદી માહોલની વચ્ચે નાળું ખરાબ થતાં આસપાસના ગામોના વાહનચાલકો અવરજવર દરમ્યાન ચિંતિંત થયા હતા. તદ્દન નવો બનાવેલ રોડને નુકસાન થતાં વાહનચાલકો રોડ પરથી નારાજ થઈ સંબંધિતોને જાણ કરી હતી. જેનો અટલ સમાચાર ડોટ કોમમા અહેવાલ બાદ નાયબ કાર્યપાલક ઇજનેર સહિતનાને જાણ થતાં તાત્કાલિક અસરથી ઈજનેરોની ટીમ દોડી આવી હતી.
ત્રણ ગામને જોડતો માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી ઈજનેરોએ ચોમાસાનો વરસાદ છતાં તાત્કાલિક અસરથી નાળું યોગ્ય કરાવી માર્ગ સલામતી સુનિશ્ચિત કરી હતી. નાળાંનો ભાગ રીપેર થતાં વાહનચાલકોને પણ મોટી રાહત મળી છે. આસપાસના લોકોએ તાત્કાલિક રીપેરીંગની કામગીરી બિરદાવી અને વોરંટી પિરિયડ દરમ્યાન પણ રોડને કોઈ નુક્સાની થાય તો તુરંત રીપેરની આશા વ્યક્ત કરી હતી. આ બાબતે નાકાઈ કચેરીના ઈજનેરોએ જણાવ્યું હતું કે, વરસાદને પગલે રાજ્યભરમાં અનેક માર્ગોને ક્ષતિ પહોંચી છે પરંતુ રીપેરીંગની કામગીરી પણ ઝડપથી કરી રહ્યા છીએ. ત્રણ ગામને જોડતાં આ માર્ગને પણ તુરંત રીપેર કર્યો હોવાનું અને વાહનચાલકોને ભવિષ્યમાં પણ રોડ રીપેર કામગીરીની ખાત્રી આપી હોવાનું જણાવ્યું હતુ.