રીપોર્ટ@ઝાલોદ: ઈજાગ્રસ્ત યુવકે ભ્રષ્ટાચારના રોડ ઉપર જઈ કર્યા ગંભીર આક્ષેપ, ન્યાયિક તપાસની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
માર્ગ મકાન પંચાયતની ઝાલોદ સબ ડિવિઝન કચેરી હેઠળ છેલ્લા એક વર્ષમાં થયેલા રોડના કામમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. માત્ર આક્ષેપો જ નહિ, નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં અરજી આપી તમામ રિસરફેસ રોડના કામમાં ન્યાયિક તપાસની પણ માંગ કરવામાં આવી છે. પગમાં ઈજાગ્રસ્ત યુવકે વિડિયો થકી તંત્રને ચેલેન્જ પણ આપી છે કે, નવા નક્કોર રોડમાં ભય વગરના ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે તેમ છે. વિડિયો દરમ્યાન યુવકે સંજેલી તાલુકાના હિરોળા થી કરંબા વચ્ચેના નવીન માર્ગના નાળાંમાં ભ્રષ્ટાચારનો સનસનીખેજ આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ મકાન પંચાયતના જેટલા રોડ રિસરફેસ થયા તેમાં ભ્રષ્ટાચાર હોવાનો આરોપ થયો છે. આજકાલ ચેલેન્જની રાજનીતિ ચાલતી હોવાનું કહી જાગૃત યુવકે વિડિયો થકી જણાવ્યું કે, માર્ગ મકાન પંચાયતની ઝાલોદની સબ ડિવિઝન કચેરીને લેખિતમાં ફરિયાદ કરી છે કે, સદર અરજીમાં દર્શાવેલ રોડની ગુણવત્તા બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે. સંજેલી તાલુકાના હિરોળા થી કરંબા વચ્ચેના તદ્દન નવીન એટલે કે રિસરફેસ માર્ગ ઉપરના નાળામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ મૂકી તપાસની માંગ કરી છે. તદ્દન રિસરફેસ છતાં ગણતરીના દિવસોમાં નાળું તૂટી ગયું હોવાનો પણ આરોપ યુવકે મૂક્યો ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર સંગાડાએ ખોટી વાત હોવાનો વળતો જવાબ આપ્યો છે. સંજેલી તાલુકાના ગત એક વર્ષના તમામ રોડમાં ભ્રષ્ટાચારના આરોપ સામે નાકાઈ સંગાડા પણ ગર્જ્યા. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શૈલેષ તાવિયાડ નામે યુવકના ફેસબુક આઇડી ઉપરના આ વિડીયોમાં બોલતાં યુવકે માત્ર ભ્રષ્ટાચારના આરોપ જ નથી કર્યાં પરંતુ ત્યાં સુધી કહી દીધું કે, તંત્રને ચેલેન્જ છે કે તપાસ કરો તો ભ્રષ્ટાચાર બહાર આવશે જ. હવે આવી સ્થિતિમાં ઝાલોદ માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઇજનેર સંગાડાએ જણાવ્યું કે, કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર નથી પરંતુ અહિં વિસ્તારમાં એવું ચાલે છે કે, ક્યાંક કંઈ દેખાય એટલે વિડિયો બનાવે અને પછી પૈસાની માંગણી કરે છે તેવો વળતો આરોપ મૂકતાં હડકંપ સર્જાયો છે. સંગાડાએ તો ત્યાં સુધી કહ્યું કે, કામ બાકી છે હજુ એટલે ભ્રષ્ટાચારનો કોઈ સવાલ નથી આવી સ્થિતિમાં વિડિયોમા ચેલેન્જ આપતાં યુવક સામે ચેલેન્જ થઈ તેવો ઘાટ સર્જાયો છે.