ટેક્સચોરી@ગુજરાત: નામ શંકરનુ અને કામ જીએસટી ચોરીનું, ખરીદ-વેચાણના બીલો સૌથી મોટો પુરાવો

 
Image
જો જીએસટી વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમ તપાસમાં ઉતરી જાય તો સરકારને કરોડોની રિકવરી મળે તેમ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાત રાજ્યમાં આદીજાતી બાહુલ્ય જિલ્લામાં રાજ્ય કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ થકી કરોડોની ગ્રાન્ટ પહોંચે છે. આ ગ્રાન્ટ હેઠળ જેમ ફાવે તેમ વેપાર કરી/કરાવી શંકર અને લાગતી વળગતી એજન્સીઓ કરોડોનો વેપાર કરી રહી છે. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરી બેનામી સંપત્તિ એકઠી થતી હોવાની બૂમરાણ મચી છે. જો છેલ્લા 5થી 10 વર્ષમાં શંકર જેવી વિજય જેવી એજન્સીઓના ખરીદ-વેચાણના બીલોની તપાસ થાય તો લાખો કરોડોની ટેક્સચોરી ઝડપાઇ શકે છે. વાત તો ત્યાં સુધી આવી કે, કોઈ રજૂઆત કરે તો શંકર એજન્સીના માણસો જાગૃત નાગરિકને દબાવી ધમકાવી રજૂઆત ફેરવી તોડાવી સરકારના હિતમાં થનાર સંભવિત તપાસ જ અટકાવી દે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર આવતાં ટેન્ડરમા સેટિંગ્સ ગોઠવી બાહુબલી એજન્સીઓ કરોડોના વેપાર કબ્જે કરી છે. જેમાં આદીવાસી વિસ્તારમાંથી આવતી શંકર અને તેની મળતિયા એજન્સીના કર્તાહર્તાઓ રાજકીય જોરે ટેન્ડરો તો મેળવી રહ્યા પરંતુ સરકારને ક્યારેય ના ભરાય તેવું નુકસાન આપી રહ્યા છે. આ એજન્સીઓને છેલ્લા 10 વર્ષમાં મળેલ વર્ક ઓર્ડરના વેપારની ઘનિષ્ઠ તપાસ થાય તો ખરીદ-વેચાણ બાદ કેટલી ચોંકાવનારી ટેક્સચોરી થઈ હોય તે સામે આવી શકે છે. આ ક્ષેત્રના હરિફો ત્યાં સુધી કહે છે કે, ઘરના પરિવારના સભ્યોના નામે ચાલતી આ એજન્સીઓના તમામ બીલોની તપાસ થાય તો અતિ નીચા ભાવે માલસામાન ખરીદી સરકારને અતિ ઉંચા ભાવે વેચાણ કર્યાનો ઘટસ્ફોટ થાય તેમ છે. આટલુ જ નહિ, આવા વેપાર બાદ જીએસટી ચોરી કરી બેનામી સંપત્તિ એકઠી કરી દેશની આર્થિક સ્થિતિને મોટી ઠેસ પહોંચાડી છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ શંકર અને લાગતી વળગતી એજન્સીઓનો મૂળ વેપારી એકજ ઈસમ છે પરંતુ સગાં ઓળખિતાના નામે વધુ એજન્સીઓ બનાવી સેટિંગ્સથી ટેન્ડર મેળવી લાખો કરોડોની જીએસટી ચોરી કરી ચૂક્યો છે. આ બાબતે અગાઉ કોઈ જાગૃત વ્યક્તિએ સરકારના હિતમાં જીએસટી વિભાગને વિગતો આપતાં તેની જાણ એજન્સીના કર્તાહર્તાને થતાં તાત્કાલિક પહોંચી અરજી/રજૂઆત ફેરવી તોડાવ્યું હતું. આથી જો વડોદરા, ગાંધીનગર અથવા લાગતા વળગતા ઝોન જીએસટીના જાંબાઝ, પ્રામાણિક અધિકારીઓ તપાસમાં ઉતરી જાય તો શંકર એજન્સીના વેપાર અને તેના આધારે ઉભી કરેલી બેનામી સંપત્તિનો પણ ખુલાસો થાય તો નવાઇ નહીં