ગંભીર@સાપુતારા: નિવાસી શાળાના આચાર્યે ઓફલાઇન ટેન્ડર કર્યું, માનીતા વેપારી નહિ આવતાં હેરાનગતિની રજૂઆત
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પ્રવાસન મથક સાપુતારાથી શૈક્ષણિક અને વેપાર લગતના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી શાળાના આચાર્યે વિદ્યાર્થીઓના ભોજન માટે અનાજ કરિયાણાની વસ્તુઓ ખરીદવા ઓનલાઇન GeMની જગ્યાએ ઓફલાઇન ટેન્ડર કરતાં વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહિ, ચોક્કસ વેપારી એલ1 નહિ આવતાં અલગ અલગ વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો તખ્તો ગોઠવાતા છેક ગાંધીનગર રજૂઆત થઈ છે. સમગ્ર મામલે અનાજ કરિયાણાના વર્ષો જૂના વેપારીએ આખરે ગાંધીનગર રજૂઆત કરી વેપારી આલમને હેરાનગતિ કરવાનો અને પેટ્રોલ ડીઝલના ખોટા ખર્ચ થવા બાબતની વાત કરી છે. જેને પગલે અન્ય નિવાસી શાળાના આચાર્ય આલમમાં પણ ટેન્ડરની કાર્યપધ્ધતિ સામે ચકચાર ફેલાઇ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલી આદીજાતી વિકાસ વિભાગ હેઠળની ઈએમઆરએસ શાળામાં વિદ્યાર્થીઓને ભણવા સાથે રહેવા જમવાની વ્યવસ્થા છે. આ માટે સરકાર દ્વારા ટેન્ડર આધારે કરિયાણાની વસ્તુઓ ખરીદવા સહિતની કામગીરી થાય છે. આ પ્રકારની બધીજ શાળાઓમાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ટેન્ડર કરી અનાજ કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદવા કામગીરી થઇ પરંતુ સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળાના આચાર્યએ સરકારના GeM પોર્ટલને અવગણી સ્કુલની ઓનલાઇન સિસ્ટમ મારફતે ખરીદી હાથ ધરી. હવે આ સિસ્ટમ બાદ જે વેપારીઓએ ભાવ ઓફર કર્યા તેમા એલ1 તરીકે પોતાના માનીતા વેપારી ના આવતાં ચીજવસ્તુઓ મુજબ અલગ અલગ વેપારીનો તખ્તો ગોઠવ્યો પરંતુ તેમાં પેટ્રોલ ડીઝલના ખર્ચાઓ કરવા વિદ્યાર્થીઓને સમયસર ભોજન કરિયાણાની વસ્તુઓ મળવા બાબતે સવાલો સર્જાતા મામલો ગરમાયો છે. આથી નજીકના વેપારી આખરે ગાંધીનગર ટ્રાયેબલ એજ્યુકેશન સોસાયટીના અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંઇ કોર્પોરેશન નામની એજન્સીએ રજૂઆત કરતાં જણાવ્યું કે, વેપારીઓની હાજરીની સુનિશ્ચિતતા વગર માનીતા વેપારીઓને બોલાવી ટેન્ડર ખોલ્યા હતા. આટલુ જ, માનીતા વેપારીને બોલાવી ટેન્ડર બદલી દેવા સુધીની દોડધામ કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. ટેન્ડરમા દર્શાવેલ શરત નં.35 નો ઉલ્લંઘન કરી સરકારની પારદર્શક ખરીદી નિતી, તંદુરસ્ત ભાવ હરિફાઈ અને ઓનલાઇન સિસ્ટમ તેમજ વિવિધ જોગવાઈઓનુ અક્ષર: પાલન નહિ કર્યાની પણ રજૂઆત થતાં મામલો ગાંધીનગર સ્થિત ડાયરેક્ટર સુધી પહોંચ્યો હોઈ તપાસની સ્થિતિએ આવ્યો છે.

