ખળભળાટ@તાપી: કોન્સ્ટેબલની તાકાત તો જુઓ, ગાડી છોડવા માંગ્યા 50હજાર, આખરે મહિલા પાસે લાંચ લેતા ઝબ્બે

મહિલાએ લાંચ માંગનાર કોન્સ્ટેબલને આખરે એસીબીને ફરિયાદ કરતાં રંગેહાથ ઝડપાઇ ગયો 

 
મહુવા સફળ એસીબીમા કોન્સ્ટેબલ ઝબ્બે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવી ગઈ પરંતુ લાંચિયા કર્મચારીઓને જાણે ગેરકાયદેસર કામોનો કોઈ ડર નથી. ડરની વાત મૂકો, હવે તો હોદ્દો નાનો છતાં આંખો ફાટી જાય તેવી લાંચ માંગી રહ્યા છે. આજે એસીબીએ એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા બાદ આ પરિસ્થિતિ ઉભરી આવી છે. પ્રોહિબીશનના કેસમાં આરોપી સામેની કાર્યવાહીમાં પોલીસે તેની કાર પણ કબ્જે કરી હતી. જેમાં આરોપીની પત્નીએ કાયદાકીય પ્રક્રિયા કરતાં કાર છોડાવવા જતાં અડચણ સર્જાઈ હશે.
લાંચિયો કોન્સ્ટેબલ
આ દરમ્યાન કોન્સ્ટેબલે કાર છોડવા અધધધધ. 1 લાખની લાંચ માંગી હતી. જોકે રકઝકને અંતે 50 હજાર માંગતા મહિલા લાંચ આપવા ઈચ્છુક નહિ હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબી પોલીસે મહુવાથી 50હજારની રકમ લાંચ તરીકે લેતાં કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો. સફળ એસીબી ટ્રેપ બાદ આરોપીની અટકાયત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના તાપી વિસ્તારમાં લાંચની ચોંકાવનારી ઘટના ગત 22 ડિસેમ્બરે સામે આવી હતી. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો, પ્રોહિબીશનના એક ગુના બાબતે મહુવા પોલીસ સ્ટેશને આરોપીની અટક કરી હતી. જેમાં તેની ફોર વ્હિલર ગાડી જમા લેવામાં આવી હતી. આ ગાડી છોડાવવાના અવેજ પેટે મહુવા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બુધાલાલ હેમુભાઇ માધર (ઉ.વ.૨૮) તા.મહુવા, જિ.સુરતનાએ લાંચ માંગી હતી. પ્રોહિબીશન કેસના આરોપીની પત્નીએ ગાડી છોડાવવા જતાં મહુવા પોલીસ સ્ટેશનના બુધાલાલે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. જોકે રકઝકના અંતે રૂ.50,000/- નક્કી થતાં, મહિલાએ લાંચની રકમ આપવી ના હોઈ એ.સી.બી.ને ફરીયાદ આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદ આધારે ગત ગુરુવારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન કોન્સ્ટેબલ બુધાલાલે સદર કેસના ફરીયાદી મહિલા સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વિકારી હતી. આ લાંચની રકમ મહુવા એસ.ટી. બસ સ્ટેશનના ટોયલેટ બ્લોક્સની બાજુના પગથીયા પાસે કોન્સ્ટેબલે સ્વિકારતા જ એસીબી ત્રાટકી હતી. આથી એસીબીએ આરોપી કોન્સ્ટેબલ બુધાલાલને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. મહુવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયાની ઘટના જોતજોતામાં ફેલાઇ જતાં કર્મચારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર ટ્રેપ એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એ.સી.બી.સુરત એકમ તથા મદદમાં પો.ઇ. એસ.એચ.ચૌધરી, તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા, જિ.તાપી તથા એ.સી.બી. સ્ટાફે કરી હતી. આ દરમ્યાન સુપર વિઝન અધિકારી તરીકે આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતનું માર્ગદર્શન રહ્યું હતું.