બ્રેકિંગ@ગુજરાત: 22 સપ્ટેમ્બરથી ST બસના પૈડાં થંભી જશે ? નિગમે લીધો મોટો નિર્ણય

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાલ જ્યાં જુઓ ત્યાં વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે. તેવામાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આરોગ્યકર્મીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોના આંદોલનના કારણે ગાંધીનગર ખાતે વિધાનસભા ગેટ નંબર 1 નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકાર સામે વઘુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ રાજ્યના ST નિગમને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે ટૂંક સમયમાં ST નિગમના કર્મચારીઓ પણ રાજ્ય સરકાર વિરૂદ્ધ આંદોલન કરી શકે છે. આથી ST નિગમના કર્મચારીઓ જો આંદોલનના માર્ગ પર ઉતરશે તો રાજ્યની તમામ ST બસોના પૈડા 22 સપ્ટેમ્બરની મધરાતથી થંભી જશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો, આરોગ્યકર્મીઓ અને પૂર્વ સૈનિકો બાદ હવે રાજ્યના ST નિગમના હજારો કર્મચારીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે ST નિગમના ત્રણેય યુનિયનની બેઠક પણ મળી ચૂકી છે. ત્રણેય યુનિયનની બેઠકમાં આ પ્રકારે નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મોંઘવારી ભથ્થા સહિતના 20 મુદાને લઈને રજૂઆત કરાઈ હતી. તમને જણાવી દઇએ કે, મળતી માહિતી મુજબ ST નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી જ માસ સીએલ પર ઉતરી જશે. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો કોઇ નિકાલ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ માસ સીએલ પર રહેશે એવું જાણવા મળી રહ્યું છે.
ST નિગમના કર્મચારીઓની શું છે માંગ ?
- રાજ્યના તમામ કર્મચારીઓ ની જેમ ST ના કર્મચારીઓને 34 ટકા DA આપવાની માંગ
- ડ્રાઇવર અને કાંડક્ટરને 1900 ગ્રેડ પે આપવા માંગ
- ફિક્સ પે ના કર્મચારીઓને 16,500 ની બદલે બીજા 19950 આપવા માંગ
- વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી નથી મળ્યું બોનસ તે તાત્કાલિક આપવા માંગ
- 2011 પહેલા ચાલુ નોકરીએ મરણ પામેલ કર્મચારીના વારસદારોને નોકરીની માંગ
- છેલ્લા 25 વર્ષમાં ભાડા ભથ્થામાં નથી થયો વધારો, તાત્કાલિક વધારો કરવા માંગ
- નિગમના મહિલા કર્મચારીઓને રેસ્ટ રૂમની અલગ વ્યવસ્થા કરવા માંગ
- નિવૃત કર્મચારીઓને રજા ના પગાર નું ચુકવણું કરવું
- રજાના પગારનું રોકડમાં ચુકવણી
- કામદાર વિરોધી 20/77 નો પરિપત્ર રદ્દ કરવા માંગ