બિગબ્રેકિંગ@ગુજરાત: બોર્ડની પરીક્ષા હાલ મોકૂફ, ધો-1 થી 9 અને 11માં બધાને પાસ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે હવે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. 10મી મેથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હાલ પુરતી આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. સરકાર 15મી મેના રોજ કોવિડ સ્થિતિની સમીક્ષા કરી નવો નિર્ણય લેશે. નવી તારીખો જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્ય સરકારે ગુજરાતમાં આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલેકે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.