બનાવ@સુરતઃ સેલ્ફી ફોટાના નામે યુવતીને બ્લેકમેઇલ કરી, ધાક-ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
બનાવ@સુરતઃ સેલ્ફી ફોટાના નામે યુવતીને બ્લેકમેઇલ કરી, ધાક-ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનના મંદિર ખાતે મળવાના બહાને સેલ્ફી ફોટો પાડી લઈ તે ફોટો થકી વરાછાની પરિણીતાને બ્લેકમેઇલ કરી કૌટુંબિક કાકાએ યૌનશોષણ કર્યુ છે. આરોપી પરિણીતાને ધાક-ધમકી આપી ભગાડી પણ ગયો હતો. વરાછા પોલીસે આરોપી લક્ષ્મણ રબારીની ધરપકડ કરી છે. વરાછા ત્રિકમનગર ખાતે રહેતી 21 વર્ષીય યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. દોઢ વર્ષ પહેલાં તેણીના લગ્ન થયા હતા. દરમિયાન કૌટુંબિક કાકા લક્ષ્મણ વાધારામ રબારી સાથે તેણીનો પરિચય હતો. ગત બીજા લોકડાઉનમાં તે પરિવાર સાથે વતન રાજસ્થાન ગઈ હતી ત્યારે ત્યારે કૌટુંબિક કાકા લક્ષ્મણ રબારી તેની સાથે ફોન પર વાત કરતો હતો. લક્ષ્મણે રાજસ્થાન જઈ યુવતીને ગામના મંદિર પાસે મળવા બોલાવી હતી. તે વખતે લક્ષ્મણે પોતાના મોબાઇલમાં બંનેના સેલ્ફી ફોટો લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ત્યારબાદ લક્ષ્મણ વારંવાર કોલ કરી સેલ્ફી ફોટાના નામે બ્લેકમેઇલ કરી ધાક-ધમકી આપતો હતો. સુરત પરત ફર્યા બાદ પણ લક્ષ્મણ કોલ કરી પરિણીતાને પરેશાન કરતો હતો. એક દિવસ બપોરના સમયે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે લક્ષ્મણે ઘરે આવી બળજબરી કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. લક્ષ્મણે ચુંબન કરતા ફોટા પણ મોબાઇલમાં પાડી લીધા હતા.

આ રીતે ફોટોગ્રાફ્સ બતાવીને તે ભાગી જવા પણ દબાણ કરતો હતો. ગત 5 ઓક્ટોબર 2021ના રોજ પરિણીતા લક્ષ્મણ રબારી સાથે ભાગી ગઈ હતી. લક્ષ્મણ યુવતીને લઇ ટ્રેનમાં બેસી ચંદીગઢ પહોંચી ગયો હતો. અહીં ગેસ્ટહાઉસમાં ચાર દિવસ રોકાણ કર્યું હતું. લક્ષ્મણે યુવતી સાથે બળજબરી ફરી વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિલ્હી, ભાવનગર જઇ ત્યાં પણ ગેસ્ટહાઉસમાં રોકાણ કરી કુકર્મ આચર્યું હતુ. ભાવનગરથી પાવાગઢ જવા હોટલમાંથી બહાર નીકળ્યા ત્યારે સંબંધીઓએ તેઓને પકડી પાડ્યા હતા. યુવતીએ પરિવારને હકીકત જણાવતા સમગ્ર મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી લક્ષ્મણ વાઘારામ રબારીની ધરપકડ કરી હતી.