મર્ડર@ગુજરાત: બેંકમાં ઇસમે કર્મચારી પુત્રવધુની છેડતી કરી, સમજાવવા ગયેલા સસરાની છરીનાં ઘા ઝીંકી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક
જામનગના ફલ્લા ગામે મહિલા બેંક કર્મચારીની છેડતી કરતા કર્મચારીને સમજાવવા ગયેલા સસરા અને પતિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી સસરાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જ્યારે તેના પુત્રને પણ છરીના ઘા મારતા લોહીથી લથબથ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયો છે.
જામનગર તાલુકાના ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મહિલા કર્મચારીની છેડતીના મામલે ખૂની ખેલ ખેલાયો છે. બેંકના કર્મચારી મહિલાના સસરાની કરપીણ હત્યા નિપજાવી છે. જ્યારે મહિલાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ છેડતી કરનાર હંગામી કર્મચારી અને તેના ભાઈ સામે હત્યા અને હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મંગળવારે બપોરે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બેંકના મહિલા કર્મચારી સાથે બેંકના હંગામી કર્મચારીએ છેડતી કરી હોવાથી મહિલા કર્મચારીના પતિ-સસરા બેંકમાં આવ્યા હતા. આ દરમિયાન હંગામી કર્મચારી સાથે ઝઘડો થયો હતો અને તેણે છરી વડે મહિલા કર્મચારીના સસરા પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી. જ્યારે પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. હત્યારો આરોપી અને તેનો ભાઈ બન્ને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ તરફ મહિલા કર્મીના પતિ મિલનને પણ છરીના ઘા વાગ્યા હોવાથી તેને લોહીલુહાણ હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. તો આ માથાકૂટ દરમિયાન સ્થાનિક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો જે સામે આવ્યો છે. આ બનાવ પછી હુમલાખોર આરોપી ધવલ શાંતિલાલ પટેલ અને મદદગારીમાં જોડાયેલો તેનો ભાઈ ભોલો ફરાર થઈ ગયા હતા.