ઘટના@સુરત: ચોથા માળેથી પટકાયેલા બાળકનું મોત, હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન શરૂ ન હોવાના આક્ષેપથી ચકચાર
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના પુણાગામ સીતાનગર ચોકડી પાસે આવેલી રાધા શ્યામ સોસાયટીમાં ચોથા માળેથી નીચે બાળક પટકાતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. બાળકને ગંભીર ઈચ્છા હોવાને કારણે ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા બાદ તેનું સીટી સ્કેન કરાવવું જરૂરી બન્યું હતું. જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, સીટી સ્કેન મશીન જ બંધ છે. આ બાબતે ડોક્ટરોને પૂછતા તેમને કહ્યું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે, પરંતુ મોડીરાત સુધી પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું.
આ મામલે રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ મંગળ કવાડે કહ્યું કે, અઢી વર્ષનો બાળક અને તેના માતા-પિતા અમારા ત્યાં ભાડેથી રહે છે. ચોથા માળે રહેતું બાળક અચાનક જ નીચે પડી ગયું હતું, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. પહેલા અમે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે કીધું કે, એને આઈસીયુમાં રાખવું પડશે માટે તમે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારબાદ અમે હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આવીને જોયું તો વેલ્ટીનેટર પર રાખવો પડે તેમ હોવાને કારણે વેલ્ટીનેટરની પણ ઝડપથી સુવિધા કરી આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, પરંતુ તેને કેટલી ગંભીર ઇજા થઈ છે, તેના માટે સીટી સ્કેન કરાવવું ફરજિયાત હતું. પણ ડોક્ટરો તે કરાવી શક્યા ન હતા, કારણ કે તે બંધ સ્થિતિમાં હતું.
વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, જ્યારે અમને ઘટનાની જાણ થઈ ત્યારે અમે સ્વીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં આવીને બાળકને યોગ્ય સારવાર મળે છે કે કેમ? તે તપાસવાનો પ્રયાસ કર્યો હતો. અમે રાતે 9:30થી 10:00 વાગે અહીં આવ્યા હતા અને 12:30 વાગ્યા સુધી રોકાયા હતા. તે દરમિયાન પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું. ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે, સવારે 10:00 વાગ્યા સુધી આ મશીન શરૂ થયું ન હતું.