દુ:ખદ@ભાવનગર: બગદાણા બજરંગદાસ બાપાના ભક્ત મનજીબાપાનું નિધન, આજે અંતિમવિધિ

 
Manaji Bapa Bagdana

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મનજીબાપાનું ગઈકાલે નિધન થયું હતું. મનજીબાપાના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવ્યો છે. આજે બપોરે 3 કલાકે અંતિમ વિધિ કરવામાં આવશે.

બગદાણાના બજરંગધામ મંદિરના ટ્રસ્ટી મનજીબાપાનું બુધવારે સુરત ખાતે નિધન થતાં બગદાણાધામ ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. મનજીબાપા કે જેમણે બજરંગદાસ બાપાનીપ્રેરણાથી મંદિરની સુવાસમાં વધારો કરતા અનેક સામાજિક, ધાર્મિક કામો કર્યા હતા. મનજીબાપાનું ગઈકાલે સુરત ખાતે નિધન થતા તેમના પાર્થિવ દેહને પ્રથમ ભાવનગર ઝાંઝરિયા હનુમાનજી મંદિરે લાવવામાં આવ્યો હતો. આજે મનજીબાપાના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવ્યો છે. માહિતી મુજબ, આજે બપોરે 3 કલાકે અંતિમ વિધિ કરવામાં આવશે. બગડેશ્વર સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવશે. પરમ પૂજ્ય મનજીબાપાના અવસાનથી આખું બગદાણા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે.

પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા થકી ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના॥ ૐ શાંતિ…!! આ સાથે પીએમ મોદીએ મનજીબાપા સાથેની એક તસવીર પણ શેર કરી હતી. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા પણ બગદાણા પહોંચ્યા હતા અને મનજીબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી.

બુધવારે મનજીદાદાના પાર્થિવ દેહને ઝાંઝરિયા હનુમાનજી મંદિરે લાવવામાં આવ્યો હતો. ઝાંઝરિયા હનુમાનજી મંદિર કે જે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે, જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરાવી આરતી કરવામાં આવી હતી. મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શને મોટી સંખ્યામાં ગુરુ ભાઇઓ, ગુરુ ભક્તો, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ફુલહાર, શાલ ઓઢાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ મનજીબાપાના પાર્થિવ દેહને બગદાણા લઇ જવાયો હતો. સાંજે 4 કલાકે દરમિયાન પાર્થિવ દેહ બગદાણા પહોંચ્યો હતો, જ્યાં કરશનભાઈની વાડીમાં આજે બપોરે 3 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે 4 કલાકે બગડેશ્વર સ્મશાન ભૂમિ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. બાપાના નિધનથી ભક્તિમાં શોકનું મોજું ફરી વળ્યું છે.