દુર્ઘટના@રાજકોટ: લગ્નની કંકોત્રી આપી પરત ફરતા માતા-પુત્ર પર પડ્યું ઝાડ, મહિલાનું કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાછરા રોડ પર બાઈક પર જઈ રહેલા માતા-પુત્ર પર અચાનક ઝાડ પડતા ઘટના સ્થળે જ માતા વિજયા ડાભીનું મૃત્યુ થયું છે. જ્યારે કે તેમના પુત્ર જયસુખને ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આમ ડાભી પરિવારમાં લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા તે મરશિયામાં ફેરવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેમજ ડાભી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, મૃતક વિજયાબેનના પુત્રના આગામી ત્રીજી માર્ચના રોજ મેરેજ છે. વિજયાબેનને પરિવારમાં પતિ તેમજ ત્રણ દીકરા છે. મૃતક જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલ વાછરા ગામ ખાતે પોતાના સગાને ત્યાં પોતાના પુત્ર સાથે કંકોત્રી આપવા માટે આવ્યા હતા. કંકોત્રી આપ્યા બાદ માતા-પુત્ર ગોંડલ ખરીદી કરવા જતા હતા તે સમયે ચાલુ બાઈક પર ઝાડ પડતા પુત્રને ઇજા પહોંચી છે જ્યારે કે માતાનું મૃત્યુ નીપજ્યું છે.
આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. સાથે જ જરૂરી પંચનામાની કરી વાહી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.