અપડેટ@જૂનાગઢ: તોડકાંડ મામલે દીપ શાહની કરી ધરપકડ, તરલ ભટ્ટને 600થી વધુ બેન્ક એકાઉન્ટની માહિતી આપી હોવાનું ખૂલ્યું
અટલ સમાચાર, ડેસ્ક
જૂનાગઢ તોડકાંડ મામલે ATSની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જૂનાગઢ તોડકાંડ કેસમાં ધરપકડ કરાયેલા દીપ શાહે તરલ ભટ્ટને 600 થી વધુ બેન્ક એકાઉન્ટની માહિતી આપી હોવાનો ખુલાસો થયો છે. આરોપી દીપ શાહ ATS થી બચવા દુબઇ ભાગવાની ફિરાકમાં હતો. તપાસમાં ખુલાસો થયો છે કે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ દરમ્યાન પણ તરલ ભટ્ટ દ્વારા દીપ શાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેન્ક એકાઉન્ટનો ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉપયોગ થાય છે કે કેમ તેના વેરિફિકેશન માટે તરલ ભટ્ટે દીપની મદદ લીધી હતી. જૂનાગઢ તોડકાંડમાં બેન્ક એકાઉન્ટની વિગતો દીપ શાહ દ્વારા આપવામાં આવી હતી. પીઆઇ તરલ ભટ્ટ પકડાઈ જતા દિપ શાહે પોતાના તમામ ફોન તોડી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો.
દુબઇમાં બેસી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી બિરજુ શાહ દ્વારા મુંબઈ થી રૂપિયા 97 લાખ 94 હજાર 400 અને 9 લાખ 84 હજાર 400 આંગડિયા દ્વારા હવાલો મોકલવામાં આવ્યો હતો. અન્ય એક ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી રૂપિયા 37 લાખ 78 હજાર 800 રૂપિયા તરલ ભટ્ટે દીપ શાહ મારફતે મેળવ્યા હોવાનો ATSની તપાસમાં ખુલાસો થયો છે. હાલ તો ATSએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે.