રજૂઆત@સુરત: વરસાદ ખેંચાતા ઉર્જામંત્રીને પત્ર, દક્ષિણના ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માંગ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેથી ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રી પાસે વીજળી 10 કલાક આપવાની માગ સાથે ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા પત્ર લખીને માગ કરવામાં આવી છે.

ઉર્જામંત્રી કનુ દેસાઈને લખવામાં આવેલ પત્રમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા શેરડી, ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. દસ કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી મળી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડીના નવા વાવેતરની શરૂઆત થઈ છે. ત્યારે આ માંગ સંતોષાય તેવી વાત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા 1 લાખ એકરમાં શેરડીના પાકનું વાવેતર કરાય છે.દક્ષિણ ગુજરાતમાં 1.50 લાખ એકરમાં ડાંગરનો પાક તૈયાર કરવામાં આવે છે. ડાંગરના પાકને પાણીની વિશેષ જરૂરિયાત હોય છે. છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.