ચકચાર@દિયોદર: પતિ-પત્ની અને બાળકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, શોધખોળ શરૂ કરાઇ

 
Diyodar

અટલ સમાચાર, ડેસ્ક

દિયોદરના નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ ઝંપલાવ્યું છે. મળતી માહિતી મુજબ પતિ પત્ની અને એક બાળક સહિત એક જ કુટુંબના ત્રણ લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ઝંપ લાવનાર પરિવાર ભાભર તાલુકાના મેરા ગામનો હોવાનું અનુમાન છે. ત્રણે લોકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયાઓ શોધખોળ હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.

ભાભર તાલુકાના મેરા ગામના સંજયભાઈ પોપટજી ઠાકોર (ઉં.વ.25) બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની પત્ની જ્યોત્સનાબેન (ઉં.વ.22)ને તેમના પિયર ભાભર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા. ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર (ઉં.વ.5) સાથે ત્રણે જણાએ અગમ્ય કારણોસર દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બાજુમાં રોડ પર બાઇક પાર્ક કરી બપોર 2-00 વાગ્યાના આસપાસ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ બનાવના સમાચાર પરિવારજનોને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા.

આ અંગે દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસે તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરી હતી. જો કે રાત્રે 8 વાગ્યા સુધી કેનાલમાં શોધખોળ કરવા છતાં તરવૈયાઓને કોઇની ભાળ મળી નહતી. આજે ગુરુવારે સવારે ફરીથી તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાશે. આ ઘટનાને લઇ લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.