DGP@ગુજરાત: રાજ્યના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાય, જાણો તેમના વિશે

 
DGP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના DGP તરીકે 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં તેમને DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ DGP બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, તેઓને રાજ્યના પૂર્ણકાલીન પોલીસવડા બનાવાયા છે.

વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.