ગંભીર@પાટણ: જિલ્લા પંચાયતના વિકાસના કામો હજુપણ અધ્ધરતાલ, ડીડીઓ અને કમિશ્નરના મંતવ્યો ચોંકાવનારા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ જિલ્લા પંચાયતની વિકાસના કામો બાબતે દોડધામ છે કે કેમ તે બાબતે અત્યંત ચોંકાવનારી અને ગંભીર વિગતો સામે આવી છે. નાણાંકીય વર્ષ 2023-24 પૂર્ણ થવાને ગણતરીના મહિના બાકી છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ છતાં કામો શરૂ થયા નથી. વાત આટલી નથી, હોશિયાર વિદ્યાર્થી પરીક્ષામાં અર્ધ નિષ્ફળ થાય તેમ પાટણ જિલ્લા પંચાયતનું આયોજન ગાંધીનગર સ્થિત વિકાસ કમિશ્નર કચેરીએ 50ટકા ખોટું પાડ્યું અને સુધારો કરી મોકલવા કહ્યું હતુ. આ પછી કેટલા સુધારા થયા અને હકીકતમાં કઈ કક્ષાએ પેન્ડિગ છે તે પ્રશ્ન છે પરંતુ હાલમાં વાસ્તવિકતા એ છે કે, માર્ચ મહિનો નજીક છતાં જમીન ઉપર કામોને પગ આવ્યા નથી. આટલુ જ નહિ, બે અધિકારીઓને આ બાબતે પૂછતાં ચોંકાવનારી વિગતો મળી છે.
પાટણ જિલ્લા પંચાયતની રાજકીય અને વહીવટી પાંખ વિકાસના કામો કરવા કેટલી તલપાપડ છે અથવા કેટલી હોશિયાર છે તે બાબતે સમજવા એક મોટો રીપોર્ટ વાંચવા પ્રેરી રહ્યો છે. નાણાંપંચની ગ્રાન્ટથી વિકાસના કામો કરવા પાટણ જિલ્લા પંચાયતની ભાજપની અગાઉની બોડીએ આયોજન બનાવીને ગાંધીનગર ખાતે વિકાસ કમિશ્નરને મોકલ્યું હતુ. આ આયોજન બનાવવું પણ એક પરિક્ષા છે ત્યારે વિકાસ કમિશ્નરે પાટણ જિલ્લા પંચાયતનું આયોજન જોઈ એક જ ઝાટકે, 50 ટકા ફેરફાર કરવા આદેશ કર્યો. ટાઇડ અને અન ટાઇડ કામો બાબતે આયોજન ગાઇડલાઈન મુજબ બનાવવાનું હોય તેની સમજણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી અઘિકારીઓને નહિ હોય ? આ સવાલ એટલા માટે બન્યો કે આજે નાણાંકીય વર્ષ 2023-24નો જાન્યુઆરી મહિનો શરૂ થયો પરંતુ વિકાસના કામોને હજુ પણ આવ્યા નથી. વર્ષ પૂર્ણ થવાને માત્ર 3 મહિના બાકી છે અને કામો કેમ પડતર છે અને કયા સ્ટેજ ઉપર છે તે જાણતાં વધુ ચોંકાવનારી માહિતી મળી છે.
સમગ્ર મામલે પાટણ જિલ્લા પંચાયતના ડીડીઓ સોલંકી અને ડેપ્યુટી ડીડીઓએ જણાવ્યું હતું કે, વિકાસ કમિશ્નરમાંથી આવ્યું નથી. જ્યારે આ બાબતે વિકાસ કમિશ્નરે જણાવ્યું કે, અમે તો ગાઇડલાઈન મુજબ કામો કરવા કહ્યું છે અને અમારે ત્યાં પેન્ડિગની ખબર નથી તેની તપાસ કરવી પડશે. જ્યારે આ બાબતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખના પતિએ કહ્યું કે, અગાઉના પ્રમુખના સમયે આયોજન બન્યું હતું એટલે તેમાં ફેરફાર કરવા કહ્યું હતુ. મામલો ગામલોકોના વિકાસનો હોવાથી પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, ડીડીઓને પૂછી જરૂરી સુચના આપું છું.
આગામી ન્યૂઝ રિપોર્ટમાં જાણીશું કોણે અને કેમ કરાવ્યા વિકાસના કામોને અત્યંત વિલંબમાં
આ વિષય સામાન્ય નથી, પાટણ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતાં કેટેગરી મુજબના વિકાસના કામો અને તેના લાખો લાભાર્થીઓને લગતો વિષય છે. વિકાસના કામો ખૂબ વિલંબમાં જાય એટલે ચિંતાનો વિષય બને તેમજ લોકપ્રિય પ્રધાનમંત્રી અને દાદાના હુલામણા નામથી જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસના રથને અસર કરે છે. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં પાટણ જિલ્લા પંચાયતના વિકાસના રથને અણ આવડતથી કે ઈરાદાપૂર્વક કોણે અને કેમ પંચર પડે તેવી સ્થિતિમાં લાવ્યા તે વિશે જાણીશું