કાર્યવાહી@સુરત: DGVCLની ટીમે વીજળી ચોરી પકડી 1.14 કરોડનો દંડ ફટકાર્યો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક
સુરત શહેરના ગોડાદરા સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજ ચોરી ઝડપી પાડવા માટે ડિજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 16 વીજજોડાણમાં વીજળી ચોરી કરાતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે 1.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અંકલેશ્વર, કામરેજ, વ્યારા, નવસારી, સચિન, ગોડાદરા અને બમરોલી વિસ્તારમાં સવારે 8 કલાકથી વિજિલન્સ વિભાગના અધિક્ષક ઈજનેર જી.બી પટેલના માર્ગદર્શન હેઠળ 33 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ચેકિંગમાં કુલ 1343 વીજજોડાણ ચેક કરતાં 16માં કુલ 1.14 કરોડની વીજચોરી મળી આવી હતી.
આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટર પેટીના સિલ ટેમ્પર્ડ કરી સિટી મીટર સાથે ચેડાં કરી, મીટર બાયપાસ કરી તથા ડાયરેક્ટ વાયર જોડી વીજચોરી કરાતી હતી.બીજી તરફ વિજિલન્સ વિભાગના અધિકારી વી.એચ વેસુવાલા અને ટીમ દ્વારા હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વીજચેકિંગ કરાયું હતું. પારુલ ધર્મેશ ધોરાજિયા નામના ગ્રાહકે ઈન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં મીટર પેટીના સીલો ટેમ્પર્ડ કરી ટર્મિનલ બ્લોકના આર-ફેઈઝના સિટીના ઈનકમિંગ અને આઉટ ગોઈંગ વાયરો સાથે ચેડાં કર્યાના પુરાવા લેબ પરિક્ષણ દરમિયાન મળ્યા હતા. જેના કારણે વીજચોરીનો કેસ નોંધી તેને 91 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.