રિપોર્ટ@સુરત: PM મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા ડાયમંડ બુર્સ વિવાદમાં, 539 કરોડનો શું છે મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થાય તે પહેલા સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં આવ્યું છે. ડાયમંડ બુર્સના કર્તાધર્તાઓ દ્વારા કંટ્રક્શન કરનાર કંપનીને ચૂકવવા પાત્ર રૂપિયા નહિ આપતા મામલો કોમર્શિયલ કોર્ટમાં પોહચ્યો છે. કોર્ટે આ મામલે કંપનીને તાત્કાલિક 100 કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરાવવા આદેશ કર્યો છે.
સુરતના ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરા વેપારીઓ અહીંથી જ સીધા ડાયમંડ ટ્રેડિંગ કરી શકે તે માટે હીરા બુર્સનું નિર્માણ થયું છે. પીએસપી કંપનીએ હીરા બુર્સનું કંસ્ટ્રક્શન કામ કર્યું છે, જે માટેનો કોન્ટ્રાકટ કંપનીને હીરા બુર્સના કર્તાધર્તાઓ દ્વારા આપવામાં આવ્યો હતો.પરંતુ હીરા બુર્સના કર્તાધર્તાઓ દ્વારા કંસ્ટ્રક્શન કરનાર પીએસપી કંપનીનું બાકી પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.જે અંગે કોર્ટ કાર્યવાહી થતાં સુરતનું હીરા બુર્સ વિવાદમાં આવ્યું છે.
આ અંગે પીએસપી કંપનીના લીગલ એડવાઇઝર ભગીરથ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરા બુર્સનું સંપૂર્ણ બાંધકામ અમારી પીએસપી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કંપની એક પબ્લિક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. બિલ્ડીંગનું સંપૂર્ણ કન્સ્ટ્રકશન પૂર્ણ કર્યા બાદ હીરા બુર્સના મેનેજમેન્ટને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે. પરંતુ મેનેજમેન્ટ તરફથી બાકી નીકળતા બીલો ચૂકવવામાં આવ્યા નહોતા.
આ અંગે પીએસપી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અનેક વખત નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે ગ્રુપ મીટીંગો પણ થઈ પરંતુ પેમેન્ટ આપવામાં ક્યાંકને ક્યાંક ટાળવામાં આવી રહ્યું હતું. જેથી છઠ્ઠી ડિસેમ્બરના રોજ સુરતની સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટમાં આ મામલે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનમાં વ્યાજ સહિત હીરા બુર્સ પાસેથી કુલ 539 કરોડ રૂપિયા જેટલી બાકી રકમ લેવાની નીકળી રહી છે.
આ બાબતને કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી અને કંપનીને નુકશાન થયું હોવાનું તારણ આપી છઠ્ઠી ડિસેમ્બરના રોજ મહત્વનો ઓર્ડર કર્યો હતો. કોર્ટના ઓર્ડર મુજબ હીરા બુર્સના મેનેજમેન્ટને બેંકમાં 100 કરોડની રકમ બેંક ગેરંટી તરીકે સાત દિવસમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. આ અંગે હીરા બૂર્સને સમન્સ પણ બજાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત આ કેસની હિયરિંગ કોર્ટ દ્વારા આગામી 16 મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. કંપની તરફથી કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે હીરા બુર્સમાં હમણાં સુધી જે કોઈપણ ઓફિસ વેચી છે તે સિવાય બાકી રહેલી ઓફિસ જ્યાં સુધી બાકી પેમેન્ટ ચુકવવામાં ન આવે ત્યાં સુધી ઓફિસો વેચવામાં ન આવે.
સમગ્ર મામલે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટ તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સના પ્લાનિંગ અને બાંધકામ કમિટીના કન્વીનર લાલજીભાઈ પટેલે કહ્યું કે, આ બાંધકામનો કોન્ટ્રાકટ PS પટેલને આપવામાં આવેલ હતો. જેમ જેમ કામ પૂર્ણ થવા લાગ્યું તેમાં રૂપિયા આપવામાં આવ્યા છે, ખાલી બે ટકા રૂપિયા આપવાના બાકી છે. કોન્ટ્રાકટરોનું કામ બાકી છે કામ પૂર્ણ થશે તો અમે રૂપિયા ચૂકવી આપીશું. કોરોનાનું બહાનું કાઢીને અમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા માંગી રહ્યા છે. કોરોનાના રૂપિયા દેવાના થતા નથી. અમારે એક પણ રૂપિયો આપવાનો નીકળતો નથી અને આપવાના પણ નથી. આ કેસમાં અમારી લીગલ ટીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે.