રિપોર્ટ@વડોદરા: હિટ એન્ડ રનના આરોપીને ખુદ સાંસદે છોડાવ્યો ? જાણો શું છે આ સમગ્ર ઘટના

 
Vadodara MP

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટે બચાવ્યો હોવાના આરોપથી હોબાળો મચી ગયો હતો. સાંસદે માત્ર પોણા 2 કલાકમાં જ આરોપીને છોડાવી દીધો હતો. આ હોબાળો મચતાં સાંસદે સ્પષ્ટતા કરી હતી તે આ આક્ષેપો ખોટા છે. કુશના માતા-પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ હતી. કુશની બહેનના લગ્ન હતા અને એને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઇ હતી.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે જેમાં આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટે બચાવ્યો હોવાના આરોપ લાગતાં હોબાળો મચી ગયો હતો. આરોપ મુજબ સાંસદ માત્ર પોણા 2 કલાકમાં આરોપીને બચાવી ગયા હતા. આરોપી કુશ પટેલે 2 વિદ્યાર્થીને ટક્કર મારી હતી અને ત્યારબાદ ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ ટોળુ એકત્ર થઇ ગયું હતું. એવો આરોપ છે કે, ટોળાએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવી ગયા હતા. આરોપીને છોડાવી ગયા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઈને જતા સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો વાયરલ થયો હતો.

આ તરફ હવે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપો ખોટા છે. હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશના માતા પિતા મને મળવા આવતાં હું પોલીસ સ્ટેશના અધિકારી અને કુશને મળવા ગઇ હતી. આ ઘટનામાં 2 વિદ્યાર્થીઓ રોંગ સાઇડ આવતા હતા અને બંને પાસે લાયસન્સ પણ ન હતા. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહીના વીડિયો પણ બનાવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ ફરિયાદ કરી નથી પણ હોસ્ટેલ યુનિયનના વિદ્યાર્થી આગેવાનોએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે કુશ પટેલ મારા ઘરની બાજુમાં રહે છે અને કુશની બહેનના લગ્ન હોવાથી તેને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઇ હતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર ફરિયાદ ના થાય તે કાળજી રાખવા માટે પણ હું પોલીસ સ્ટેશન ગઇ હતી.