ગંભીર@બનાસ: જીલ્લા રજીસ્ટ્રારના વહીવટીમાં ભેદભાવ ? લાખણી માર્કેટને ખોળ, પાંથાવાડાને ગોળ?

 
Banas

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રારની કચેરી વહીવટીમાં ભેદભાવ કરી શકે? કાર્યવાહી કે તપાસમાં બે અલગ અલગ માર્કેટયાર્ડ વચ્ચે તફાવત લાવી શકે? આ ગંભીર સવાલો એટલા માટે આવ્યા કે, તાજેતરમાં લાખણી માર્કેટની આખી બોડી ક્લીન બોલ્ડ થઈ, ચૂંટાયેલા નેતાઓને મોટી ફટકાર મળી જ્યારે પાંથાવાડા માર્કેટની તપાસની હિંમત આવી શકતી નથી. હકીકતમાં જે મુદ્દા ઉપર લાખણી માર્કેટની તપાસ થઈ એ જ મુદ્દાની ફરિયાદ પાંથાવાડા માર્કેટયાર્ડમાં છે પરંતુ કોઈ તપાસ થતી નથી. આવી સ્થિતિમાં જીલ્લા રજીસ્ટ્રારના વહીવટીથી એકને ગોળ અને બીજાને ખોળ જેવું ચિત્ર ઉભરાઇ રહ્યું છે. પૂરો મામલો સમજીએ અહિં

બનાસકાંઠા જિલ્લામાં અનેક માર્કેટયાર્ડ ધમધમી રહ્યા જેમાં તાજેતરમાં લાખણી ગંજબજારના સત્તાધીશો સામે જે કાર્યવાહી થઈ તે ચર્ચાસ્પદ છે. લાખણી માર્કેટયાર્ડના ચેરમેન સહિતના સત્તાધીશોએ નિયમોથી વિરુદ્ધ જઈને કેટલાક કર્મચારીઓની ભરતી કરી હતી. આ પછી થયેલી તપાસને અંતે નોટીસો, સુચનાઓ, આદેશો બાદ રાજ્ય રજીસ્ટ્રારના હુકમથી બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રારે લાખણી માર્કેટના નેતાઓને હોદ્દા ઉપરથી દૂર કરી દીધા. હવે કર્મચારીઓની ભરતી સહિત, બાંધકામ, ટેન્ડર પ્રક્રિયા, સેસ સહિતના અનેક મુદ્દાઓની બૂમરાણ પાંથાવાડા માર્કેટયાર્ડમાં પણ છે. તેમ છતાં પાંથાવાડા માર્કેટયાર્ડમાં તપાસ કરવાની હિંમત આવી શકી નથી. મતદારોના હિતમાં અને પારદર્શક વહીવટ માટે પણ બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર પાંથાવાડા માર્કેટયાર્ડમાં ગંભીર મુદ્દાઓની તપાસ કેમ નથી કરાવતાં? આગળ વાંચો હજુ..

સૂત્રોએ જણાવ્યું હતું કે, બની શકે કે, લાખણી માર્કેટયાર્ડના નેતાઓ કરતાં પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન અને સત્તાધીશો બાહુબલી છે ? પાંથાવાડા માર્કેટયાર્ડના નેતાઓ ઉપર રાજ્ય કક્ષાએથી કોઈના આશીર્વાદ છે ? પાંથાવાડા માર્કેટયાર્ડમાં સત્તાધીશોની રહેમનજર હેઠળ પાંથાવાડાની નજીક ખાનગી માર્કેટ ઊભું થઈ ગયું છે. જો તમે નિષ્પક્ષ રીતે લાખણી અને પાંથાવાડા માર્કેટયાર્ડના તમામ વિવાદાસ્પદ મુદ્દાઓની તપાસ કરશો તો પાંથાવાડા માર્કેટયાર્ડમાં સૌથી મોટો અને સૌથી વધુ ઘટસ્ફોટ થઈ શકે છે. લાખણી માર્કેટયાર્ડના એક જ મુદ્દાની ફરિયાદમાં આટલી મોટી કાર્યવાહી થઈ શકે છે તો મસમોટા અને ગંભીર મુદ્દાઓ છે તેવા પાંથાવાડા માર્કેટયાર્ડમાં તપાસ કેમ નહિ? જો કોઈની રજૂઆત ના હોય અથવા રજૂઆત ફાઇલે કરાવી હોય તો પણ જીલ્લા રજીસ્ટ્રાર સુઓમોટો તપાસ કરવા સક્ષમ છે. તો અહીં સૌથી મોટો સવાલ બને છે કે, પાંથાવાડા માર્કેટયાર્ડમાં છેલ્લા 10 વર્ષની પારદર્શક તપાસ કેમ નહિ?