ગંભીર@દહેગામ: લીહોડા ગામે કથિત લઠ્ઠાકાંડની ચર્ચા, દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત, 3 ગંભીર
અટલ સમાચાર, ડેસ્ક
દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે.જ્યાં દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુવેગે પ્રસરી હતી, બીજા ચાર લોકો પણ હાલ સારવાર હેઠળ છે.
બીજી તરફ આ અંગેની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. તો બીજી તરફ લીહોડા આસપાસના વિસ્તારોમાં બેફામ વેચાતા દારૂના મામલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. હજુ પણ આવા શંકાસ્પદ કેસ સામે આવે તો તે માટે તંત્ર ધ્વારા પાંચ 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વિગતો મુજબ કાનાજી ઉમેદજી ઝાલા, 35વર્ષ અને વિક્રમસિંહ રગતસિંહ ઝાલા, 35વર્ષનું મોત થયું છે. આ સાથે બળવત સિંહ ઝાલા, 40વર્ષ, રાજુ સિંહ ઝાલા, 40વર્ષ, કાલાજી મોતીજી ઠાકોર, 42વર્ષ, ચેહરજી ગગાજી ઝાલા, 70વર્ષ, મગરસિંહ ઝાલા, 42વર્ષમ વિનોદ ઠાકોર, 45વર્ષ અને વિક્રમ પ્રતાપસિંહ સારવાર લઈ રહ્યા છે.
આજે દહેગામના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી રહ્યા છે. ત્યારે આ સ્થળથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે કથિત લઠ્ઠાકાંડ સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ લીહોડા ગામે દોડી આવ્યા હતા. ઘટના બનતા જ હાલમાં 108 એમ્બ્યુલન્સને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળતા તેમના સારવાર અર્થે ખસેડાયા છે.આ સમગ્ર બનાવની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવી હતી.