તૈયારી@બનાસકાંઠા: આવતીકાલથી 3 દિવસ અંબાજીમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણો વધુ

 
Baba Bageshwar

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ફરી એકવાર બાબા બાગેશ્વર આવી રહ્યા છે. આ વખતે અંબાજીમાં દિવ્ય દરબાર અને હનુમાન કથાનું પણ આયોજન કરવામા આવ્યું છે. બાબા બાગેશ્વર ધામના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીની ધરા પર આવતી કાલથી નવરાત્રીના પ્રારંભે આવવાના છે. જેને લઈને અંબાજીમાં તેમના આગમનની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. નવરાત્રીના શરૂઆતે તારીખ 15, 16 અને 17 તારીખે 3 દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે.

અંબાજી ખાતે ત્રણ દિવસ બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામા આવી હતી. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમાન કથા માટે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ પણ બનાવવામા આવ્યો છે. આવતીકાલે નવરાત્રીના પ્રથમ દિવસે 15 તારીખે દીપ પ્રાગટ્ય અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અનેકો નેતાઓ સાથે સાધુ સંતો દીપ પ્રાગટ્યમાં પહોંચે તેવી શક્યતાઓ છે. 

આ સાથે નવરાત્રીના બીજા દિવસે 16 તારીખે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે. તો નવરાત્રીના ત્રીજા દિવસે 17 તારીખે હનુમાન કથા અને પૂર્ણાહુતી કરવામાં આવશે. નવરાત્રીના ત્રણ દિવસ બાબા બાગેશ્વરના આ કાર્યક્રમોમાં બોલીવુડના કલાકારો પણ આવી શકે છે.