ગંભીર@દાહોદ: એક માણસના બે અવતાર, મનરેગામાં એક જ વ્યક્તિના ડબલ જોબકાર્ડ, બોગસ લેબરોનો રાફડો ફાટ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કૌભાંડીઓએ મૃતક માણસોને જીવતાં કરી મનરેગામાં લેબર બનાવ્યા બાદ હવે વધુ ચોંકાવનારી વિગતો મળી છે. એક માણસના બે અવતાર હોય ? બોગસ લેબરો ઉભા કરી ભ્રષ્ટાચાર આચરવા કૌભાંડી ટોળકીએ એક જ વ્યક્તિના ડબલ જોબકાર્ડ બનાવી લેબર બનાવ્યા છે. એટલે કે એક જ વ્યક્તિના નામે એકવાર સાચું અને બીજીવાર નામમાં સહેજ ફેરફાર કરી બીજું જોબકાર્ડ બનાવ્યું છે. એક જ વ્યક્તિના ડબલ આઈડી બનાવી સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી, ખોટી માહિતી ભરી, મનરેગા તંત્રને ગેરમાર્ગે દોરી ભયંકર ગેરરીતિ આચરી છે. કૌભાંડીઓની હિંમત તો જુઓ, ડબલ આઇડીની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, ફરીયાદની જોગવાઈ છતાં મનરેગા એક્ટ કેમ કંઈ કરી શક્યો નહિ તે ગંભીર સવાલ છે. બાહુબલીના ગામમાં થયેલ ડબલ જોબકાર્ડનુ કૌભાંડ જાણીએ....
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગામોમાં પૂર્વ ડીડીઓના સમયગાળામાં મનરેગા હેઠળ ભયંકર હદે બોગસ લેબરો ઉભા કરવામાં આવ્યા હતા. એક જ વ્યક્તિના અનેક જોબકાર્ડ આઈડી બનાવી ગેરકાયદે લેબરોની સંખ્યા વધારી ખોટાં લેબર પેમેન્ટ કરવાનો કારસો થયો હતો. એક વ્યક્તિનું એક જ વાર અને એક જ જોબકાર્ડ આઈડી બને છતાં તે જ વ્યક્તિના નામમાં સામાન્ય ફેરફાર કરી બીજું જોબકાર્ડ આઈડી બનાવી દેવામાં આવ્યું હતુ. સાગડાપાડા સહિતના ગામોમાં મૂળ રેકર્ડ સાથે ચેડાં કરી ખોટાં આઇડી બનાવી મનરેગા હેઠળ બોગસ લેબરો બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહિ અનેક જગ્યાએ તો એવી પરિસ્થિતિ બની હતી કે, ગામમાં લેબરોની મૂળ સંખ્યા કરતાં ડબલ લેબરો કાગળ ઉપર બતાવવામાં આવ્યા હતા. બોગસ લેબરો ઉભા કરી કૌભાંડી ટોળકીએ મનરેગા હેઠળ ખોટી હાજરી પૂરી ગેરકાયદેસર લેબર પેમેન્ટ કરવાનું ષડયંત્ર રચ્યું હતુ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકોને જીવતા કરી લેબરો બનાવ્યા સાથે એક જ વ્યક્તિના ડબલ જોબકાર્ડ આઈડી બનાવી પૂર્વ આયોજિત કૌભાંડ આચર્યું હતુ. આ સમગ્ર મનરેગા કાંડ પૂર્વ ડીડીઓના કાર્યકાળ દરમ્યાન આચરી જિલ્લાના આશીર્વાદ મેળવી ફતેપુરા તાલુકાની કૌભાંડી ટોળકીએ કર્યું હતુ. મનરેગા એક્ટમાં મૃતકોને લેબર કરવા કે ડબલ જોબકાર્ડ કરવાના કિસ્સામાં પ્રાથમિક તપાસ આધારે પોલીસ ફરિયાદની જોગવાઈ છતાં કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ નથી. આટલુ જ નહિ, કદાચ તંત્રને ધ્યાને ના હોય તો કાર્યવાહી કેમ થાય એ દલીલ પણ વાહિયાત બને, કેમ કે સ્થાનિક જાગૃત નાગરિકે મનરેગા તંત્રને રજૂઆત કરી છતાં કોઈ ઠોસ પગલાં કેમ નથી લેવામાં આવ્યા તે પણ ગંભીર સવાલ છે.