રિપોર્ટ@ગુજરાત: 420 કરોડના ડ્રગ્સ ઓપરેશનમાં જતાં પહેલા અકસ્માત છતાં અડીખમ રહ્યા આ અધિકારી

 
Drugs

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ ગુજરાત એટીએસ (ATS), કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓ, પોલીસ તંત્ર અને એટીએસ દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ. 420 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ATS દ્વારા પકડવડામાં આવેલા આ ડ્રગ્સના જથ્થાની ઈનસાઈડ સ્ટોરી સામે આવી છે. 

ATSના જાબાંજ પોલીસ જવાનોના આ સાહસીક ઓપરેશનમાં પીઆઇ જે.એમ. પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહવિભાગ દ્વારા ગુજરાત એટીએસને રૂ.10 લાખના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. પોરબંદર દરિયાકાંઠેથી કબજે કરાયેલા રૂ. 420 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાની ઇનસાઇડ સ્ટોરી સામે આવી છે. આ ડ્રગ્સના જથ્થા અંગે ATS ના જાબાંજ અને બહાદુર પીઆઇ જે.એમ. પટેલને બાતમી મળી હતી. જો કે, આ ઓપરેશન પર જતા સમયે જે.એમ. પટેલને અક્સ્માત પણ નડ્યો હતો. અકસ્માતમાં PI પટેલને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્લેટ નાખવાની ફરજ પડી હતી. 

ઓપરેશન દરમિયાન ડોક્ટરે PI પટેલને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા અંગે સૂચના આપી હતી. જો કે, બહાદુર અને સહાસી એવા પીઆઈ જે.એમ. પટેલે બેડ રેસ્ટ ના લીધો અને 4 દિવસમાં ફરીવાર ઓપરેશનમાં જોડાયા અને ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસની ટીમે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખૂબ જ બહાદુરી અને ચતુરાઈ સાથે ડ્રગ્સના મસમોટા જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા ફરી એકવાર મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ પોરબંદરના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. NCB અને ATS દ્વારા હાલ આગળની તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપીને ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને NCB ને સફળ ઓપરેશન માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત એટીએસને રૂ.10 લાખનાં ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.