વાતાવરણ@ગુજરાત: 5 દિવસ હવામાન સુકૂં રહેવાની સાથે બેવડી ઋતુ અનુભવાશે, જાણો હવામાનની આગાહી

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો થવાની આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વનાં પવન ફૂંકાશે જેના કારણે આગામી 48 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. આ સાથે મહત્તમ તાપમાન ઊંચુ રહેવાનાં કારણે બપોરે ગરમીનો પણ અહેસાસ થવાનો છે. જેના કારણે ગુજરાતીઓને બેવડી ઋતુ માટે તૈયાર રહેવું પડશે.

અમદાવાદમાં આજે સવારે ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે થોડા દિવસથી રાતે અને સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 24 કલાકમાં શહેરનું તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ઘટ્યું છે. પરંતુ બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેના કારણે લોકો બેવડી ઋતુની અસર થવાને કારણે બીમાર પણ થઇ રહ્યા છે.

આજથી પાંચ દિવસ માટે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે. ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ક્યાંક થોડો ઘટાડો થઇ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થશે.

હવામાન વિભાગે, અમદાવાદ અને ગાંધીનગરનાં તાપમાનની પણ વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31-32 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ માટે ન્યૂનતમ તાપમાન 16.2 અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 14.8 અને મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહેવાની શક્યતા છે.