ઘટના@ગુજરાત: અહી ગાઢ ધુમ્મસના કારણે એકસાથે 30 વાહન એકબીજા સાથે અથડાયા

 
Morbi

અટલ સમાચાર, ડેસ્ક

રોડ પર ગાઢ ધુમ્મસના લીધે મોરબીનાં હળવદ માળીયા અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં 30થી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું જોર ઘટતાં ધુમ્મસ વધ્યું છે. આવામાં રાજ્યભરમાં આજે અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. મોરબીના હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ થતાં પોલીસે ટ્રાફિક સામાન્ય કરાવવા કવાયત શરૂ કરી હતી. સાથે જ મોરબી એસપીએ ઘટનાની માહિતી મેળવી હતી.

મોરબી જીલ્લાના હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હાર માળા સર્જાઈ હતી. અહીં કુલ ત્રીસ જેટલા વાહનો એકબીજા સાથે અથવા તો ડીવાઈડર સાથે અથડાયા હતા. આ અકસ્માતનું મુખ્ય કારણ ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે. હાલ કોઇ જાનહાનિની માહિતી સામે આવી નથી. પરંતુ ઘટનાને લીધે મુખ્ય ધોરીમાર્ગ ગણાતો કચ્છ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને કરવામાં આવતા તેમણે જાતે ઘટનાની ઝીણવપૂર્વકની માહિતી મેળવી, આ ટ્રાફિક ક્લિયર કરાવવા મોરબી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી ગઈ છે. બીજી બાજુ, હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે ના આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.