હડકંપ@ડીસા: મામલતદાર કચેરીમાં પડી રેડ, ઈ.સર્કલ ઓફિસર વચેટિયા દ્વારા લાંચ લેતાં રંગેહાથ ઝબ્બે

 
Pln

અટલ સમાચાર, ડેસ્ક

ડીસા મામલતદાર કચેરીમાં ACBની સફળ રેડ થઈ છે. વિગતો મુજબ ઈ.ચા સર્કલ ઓફીસર અને નિવૃત તલાટી લાંચ કેસમાં સપડાયા છે. ફરિયાદીને પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા સારૂ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજની કાચી નોંધો પડાવેલ હોય જે નોંધો મંજૂર કરવા 18,000ની લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ACBની ટ્રેપ સામે આવી છે. વિગતો મુજબ પંથકના એક વ્યક્તિએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા સારૂ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજની કાચી નોંધો પડાવી હતી. જોકે આ નોંધો મંજૂર કરવા ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના ઈ.ચા સર્કલ ઓફીસર-ઝેરડા રમેશકુમાર નાનજીભાઈ પ્રજાપતિએ 18000ની લાંચ માંગી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેને લઈ ACB બોર્ડર એકમ ભૂજના મદદનિશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન હેઠળ પાલનપુર ACB પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.ચૌધરીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. આ પછી ડીસા મામલતદાર કચેરીમાં નિવૃત્તિ પછી કામ કરતા દશરથલાલ ચુનીલાલ ત્રિવેદી ઈ.ચા સર્કલ ઓફીસર-ઝેરડા રમેશકુમાર નાનજીભાઈ પ્રજાપતિ તરફથી લાંચની રકમ 18000 સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જેથી બંને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી લાંચ લીધી હોઇ બંને આરોપીને પકડી ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.