માવઠું@ગુજરાત: અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, જાણો ક્યાં સુધી છે આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ વખતે તાપ અને હિટવેવની જગ્યાએ માવઠાનો માર લોકોને પલાડી રહ્યો છે. હવામાન વિભાગે બીજી મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ અમદાવાદના અનેક શહેરોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.

આજે સવારથી અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરનાં વિસ્તારો જેમકે સેટેલાઇટ, મણિનગર, વટવા, ઇસનપુર, નારોલ, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા, સીટીએમમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ માવઠું થયું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે અમદાવાદ, ગાંધીનગર સહિત સાબરકાંઠાનાં પણ અનેક વિસ્તારોમાં માવઠું થયું હતુ. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં વહેલી સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા તેમજ ભારે પવન સાથે વરસાદ થતાં ઈડર વડાલી સહિતના પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને લઇ ખેડુતોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા પશુપાલકોના જીવ તાળવે ચોંટયા હતા.