ગંભીર@વડોદરા: સાચવજો... ગરમીના કારણે વૃદ્ધ દંપતીનું મોત થયું હોવાની ચર્ચા, જાણો સમગ્ર મામલો

 
Vadodara

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના પાદરા વિસ્તારમાં વૃદ્ધ દંપતીના તેમના ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યા છે. દંપતીના મોતનું કારણ અસહ્ય ગરમી હોવાની શંકાઓ ઉઠી રહી છે. આ મામલાની જાણ થતા શહેરની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધ દંપતીનું મોત કઈ રીતે થયું તે જાણવા માટે તેમના પોસ્ટમોર્ટમ માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે તેમના સગા અને પાડોશીઓની પણ પૂછપરછ કરી શકે છે.

પાદરામાં એક મકાનમાં વૃદ્ધ દંપતી રહેતા હતા તે ઘરમાંથી સતત વાસ આવી રહી હતી. આ મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ કરવામાં આવી તો ઘરમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. પાદરા વિસ્તારમાં બનેલી ઘટનાની જાણ થતા પોલીસ તપાસ માટે બનાવના સ્થળ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જ્યારે મકાન તપાસ માટે ખોલવામાં આવ્યું તો સખત દુર્ગંધ આવી રહી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે આ દંપતીનું મોત કઈ રીતે થયું અને ક્યારે થયું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દંપતીનું મોત ગરમીથી થયું કે કોઈ અન્ય કારણોથી તે આગામી સમયમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. વૃદ્ધ દંપતીના ઘરમાં અન્ય કોઈ રહેતું હતું કે કેમ? તેમના ત્યાં કોઈ કામ કરવા માટે આવતું હતું કે નહીં? છેલ્લે દંપતીને લોકોએ ક્યારે જોયું હતું તે સહિતના સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સિવાય વૃદ્ધના સગા-સંબંધી કોણ છે તેઓ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક રીતે આ મૃત્યુ પાછળનું કારણ ગરમી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વધુ તપાસ બાદ હકીકત સામે લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.