ગંભીર@પંચમહાલ: આરોપી ઈજનેર ધીરેન્દ્ર રાઠોડે મોરવાહડફમાં પણ કર્યા હેવી કૌભાંડ, તપાસમાં બીજી ફરિયાદ થાય

 
Morvahadaf
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગોધરા તાલુકામાં કાગળ ઉપર કામો બતાવી 12 જણાની ટોળકીએ જે કૌભાંડ આચર્યું છે, તેની ફરિયાદમાં એક આરોપી છે ધીરેન્દ્ર રાઠોડ. અગાઉ ગોધરામાં અને હવે મોરવાહડફ તાલુકામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્ર રાઠોડ ઉપર કાંકણપુર પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ સંપર્ક બહાર છે. જેને પોલીસ હાલ શોધી રહી પરંતુ વિગતો મેળવતાં ધ્યાને આવ્યું કે, આ કૌભાંડી રાઠોડે ગોધરા બાદ મોરવાહડફ તાલુકામાં પણ મહા કૌભાંડ આચર્યું છે અને કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરી છે. મોરવાહડફ તાલુકામાં જો તપાસ કરવામાં આવે તો અહિં બીજી ફરિયાદ દાખલ થાય તેમ છે અને એસીબી પોલીસને પણ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ કરવાની તક મળી શકે છે. એસઓ એટલે કે બાંધકામ શાખાનો મદદનીશ ઈજનેર એવો ધીરેન્દ્ર રાઠોડ કૌભાંડ કરવામાં એટલે માસ્ટર માઇન્ડ છે કે, ટકાવારીની ગોઠવણ કરી સરકારી નાણાંમાંથી કરોડોની અપ્રમાણસર મિલકતો એકઠી કરી પરંતુ આજસુધી એસીબીની ટ્રેપમાં આવ્યો નથી. આ ધીરેન્દ્ર રાઠોડના ગોધરા બાદ મોરવાહડફ તાલુકામાં થયેલા કૌભાંડના પૂર્વ આયોજિત કારનામા જાણીએ.. 
Morvahadaf
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પંચાયત હેઠળની બાંધકામ શાખામાં ફરજ બજાવી હાલ મોરવાહડફમાં ફરજ પરનો અધિક મદદનીશ ઇજનેર ધીરેન્દ્ર રાઠોડ ઉપર ગુનો દાખલ થયો છે. કાંકણપુર પોલીસ મથકે તા. 11/4/2023 ના રોજ દાખલ થયેલી કૌભાંડની ફરિયાદ નં. 11207078230124 માં કુલ 12 આરોપી પૈકી અધિક મદદનીશ ઇજનેર ધીરેન્દ્ર રાઠોડ પણ આરોપી છે. જેના વિરુદ્ધ આઇપીસી 409 અને 114 મુજબની કાર્યવાહી શરૂ થઈ છે. 12 આરોપી પૈકી ધીરેન્દ્ર રાઠોડના કારનામા જેવી રીતે ગોધરામાં સામે આવ્યા તેવી રીતે મોરવાહડફમાં પણ ઢગલાબંધ છે. નાણાંપંચની ગ્રાન્ટ, એટીવીટીની ગ્રાન્ટ, તાલુકાની ગ્રાન્ટ સહિત બાંધકામ શાખાને સંબંધિત તમામ ગ્રાન્ટમાં કૌભાંડ આચર્યું છે. જો મોરવાહડફમાં તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે તો ધીરેન્દ્ર રાઠોડ ઉપર બીજી ફરિયાદ દાખલ થાય તેવો રિપોર્ટ મળી શકે છે. આટલુ જ નહિ, મોરવાહડફ અને ગોધરાના જાણકારોના મતે, જો આવકની તપાસ થાય તો મદદનીશ ઇજનેર ધીરેન્દ્ર રાઠોડ ઉપર અપ્રમાણસર મિલ્કતનો પણ કેસ દાખલ થાય તેવા પુરાવા તપાસમાં મળી આવે તેમ છે.
Morvahadaf
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર રાઠોડ છેક દૂરથી સુપર ક્લાસ કેટેગરીમાં આવતી ક્રેટા ગાડીમાં દરરોજ અપડાઉન કરે છે. મદદનીશ ઇજનેર તરીકે મળતા પગાર જેટલો ખર્ચ તો માત્ર ડીઝલ અને મોજશોખમાં ઉડાવી દે છે ધીરેન્દ્ર રાઠોડ. જ્યારે કૌભાંડ/ઉચાપતથી મેળવેલી બે નંબરની આવકથી બેહિસાબી સંપત્તિ એકઠી કરી દીધી છે. ગોધરાની જેમ મોરવાહડફ તાલુકામાં પણ ધીરેન્દ્ર રાઠોડના અનેક કામો માત્ર કાગળ ઉપર હોઈ તપાસ અત્યંત જરૂરી બની હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. આથી મુદ્દાસર વિગતો આધારે જિલ્લા પંચાયત અને ગાંધીનગર રજૂઆત કરવાની તૈયારી પણ થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.