બ્રેકિંગ@ગુજરાત: PSI ભરતી મુદ્દે ગૃહમાં હોબાળા બાદ આખું વિપક્ષ 1 દિવસ માટે સસ્પેન્ડ

 
Shailesh Parmar

અટલ સમાચાર, ડેસ્ક

વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ વિપક્ષને સસ્પેન્ડ કરાયા બાદ આજનો દિવસ ગૃહમાં એન્ટ્રી કરી શકશે નહીં. રમણલાલ વોરાએ મૂકી હતી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત, જે બાદ ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોરે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે PSI ભરતી મુદ્દે કોંગ્રેસે ચર્ચાની માંગ કરીને ગૃહમાં દેખાવો કર્યા હતા. ગૃહમાં દેખાવો અને કોંગ્રેસના વોકઆઉટ બાદ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસે PSI ભરતી મુદ્દે નારાજગી વ્યક્ત કરવા માટે સૂત્રોચ્ચારની સાથે પોસ્ટર્સ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, પહેલા તો પેપર ફૂટતા હતા, પરંતુ હવે તો બારોબાર પરીક્ષા વગર પૈસા આપીને નોકરીઓ મળે છે. તો ગુજરાતના ગરીબ પરિવારના દીકરો-દીકરી કઈ રીતે નોકરી મેળવી શકે એની ચિંતા થાય છે. એ ચર્ચાથી સરકાર ભાગે છે અને અમે વારંવાર વિનંતી કરી છે. ભાજપના 13 પેપરકાંડ અને 14મો ભરતી કાંડ જેવા પોસ્ટર અને ભરતી કૌભાંડ બંધ કરો તેવા સૂત્રોચ્ચાર લગાવીને કોંગ્રેસ દ્વારા વોક આઉટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અધ્યક્ષ શંકર ચૌધરીએ ઓર્ડર કર્યો હતો, અધ્યક્ષના નિર્ણયની ઉપર કશું થઈ શકતું નથી તે જાણતા હોવા છતાં પણ પ્રિ-પ્લાન સાથે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્લેકાર્ડ લઈની જોગવાઈ નથી, આમ છતાં અધ્યક્ષે તેમને વારંવાર ટકોર કરીને પ્લેકાર્ડ પરત આપી દેવા જણાવ્યું હતું, સભ્યોને શાંત કરાવવાની કોશિશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે સભ્યોને ગૃહ ચાલવા દેવા માટે વિનંતી કરી કારણ કે ગૃહની કાર્યવાહી મહત્વની હોય છે. એમની વાત પણ નહીં અને ગૃહને ખલેલ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.